World News :પાકિસ્તાનમાંથી ટેકનોલોજીના દુરુપયોગનો (Misuse of AI )એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 17 વર્ષના એક સગીરે AI ચેટબોટ્સની મદદથી અત્યંત ઝેરી રાસાયણિક પદાર્થોની માહિતી મેળવી પોતાના જ પિતાને ઝેર આપીને (Poison Attack)પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓની સમયસરની સતર્કતાના કારણે આ મોટી હોનારત ટળી ગઈ હતી અને સગીરની ધરપકડ કરવામાં આવી છે.
Misuse of AI : FBI ની બાતમીથી મોટો અકસ્માત ટળ્યો
પ્રાપ્ત FIR વિગતો અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને અમેરિકાની તપાસ એજન્સી FBI તરફથી એક અત્યંત મહત્વપૂર્ણ ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યો હતો. FBI એ ડિજિટલ ટ્રેકિંગ દરમિયાન નોંધ્યું હતું કે એક ચોક્કસ AI યુઝર ઝેરી પદાર્થો, શરીરમાં તેની જાનલેવા અસરો અને તે પદાર્થો બનાવવાની પ્રક્રિયા અંગે સતત સર્ચ કરી રહ્યો હતો. આ માહિતી પાકિસ્તાનની નેશનલ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NCCIA) ને સોંપવામાં આવી હતી, જેના ડિજિટલ રેકોર્ડ્સ પરથી પિતાને નુકસાન પહોંચાડવાના ભયાનક ષડયંત્રનો ખુલાસો થયો હતો.
મિથેનોલ નિષ્ફળ જતાં ‘એબ્રિન’ ઝેર વિશે માહિતી મેળવી
તપાસમાં સામે આવ્યું કે આ યુવકે સૌપ્રથમ પોતાના પિતાના ખોરાકમાં લેબ-ગ્રેડ મિથેનોલ (Methanol) ભેળવીને તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો. તેણે AI ને લખ્યું હતું કે પિતાએ 15 થી 20 મિલીલીટર મિથેનોલ યુક્ત ખોરાક ખાધો હોવા છતાં “કંઈ જ ન થયું.” ત્યારબાદ આ યુવકે AI ચેટબોટ્સ પાસે એબ્રિન (Abrin) નામના અત્યંત ઘાતક ઝેરી પદાર્થ વિશે માહિતી માંગવાનું શરૂ કર્યું હતું.
Gemini, Claude અને Grok જેવા AI ચેટબોટ્સનો ઉપયોગ
NCCIA ના ડિરેક્ટર હુસમ બિન ઇકબાલના જણાવ્યા મુજબ, 17 વર્ષીય કિશોરે ઝેરી રસાયણોની અસરો, ફોલેટ લેવલ પર તેની અસર, કેમિકલ પ્રયોગો અને એબ્રિન ઝેરના “ગુપ્ત સમયગાળા” (Latent Period) વિશે જાણવા માટે શરૂઆતમાં Google ના Gemini AI નો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેણે Anthropic ના Claude અને X (Twitter) ના Grok જેવા અન્ય AI ચેટબોટ્સ પર પણ આ અંગેના આકરા સવાલો પૂછ્યા હતા.
‘બ્રેકિંગ બેડ’ સીરીઝથી પ્રેરિત થઈ એકત્ર કર્યા ઘાતક એસિડ
તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે આરોપી યુવક પ્રખ્યાત અમેરિકન ટીવી સીરીઝ ‘બ્રેકિંગ બેડ’ (Breaking Bad) થી અત્યંત પ્રેરિત હતો. કોર્ટ પાસેથી વોરંટ મેળવ્યા બાદ જ્યારે અધિકારીઓએ તેના ઘરે દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી iPhone 15 Pro Max અને અનેક ખતરનાક રસાયણો જપ્ત કરાયા હતા. જપ્ત કરાયેલા રસાયણોમાં મિથેનોલ, ઇથિલિન ગ્લાયકોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનો સમાવેશ થાય છે. હાલ આ 17 વર્ષીય આરોપી સામે પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક ક્રાઇમ્સ એક્ટ (PECA) 2016 ની કલમ 15 અને પાકિસ્તાન દંડ સંહિતા (PPC) ની કલમ 324 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો:UN માં પાકિસ્તાનનું મોટું અપમાન; હાફિઝ સઈદના સવાલ પર PM શાહબાઝ શરીફે રસ્તો બદલ્યો
આ પણ વાંચો:પાકિસ્તાની ફાઇટર જેટ્સની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક, કુનારમાં 3નાં મોત
આ પણ વાંચો:અરબ સાગરમાં ભારત-પાકિસ્તાનના જહાજો ટકરાયા
