World News :ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મુખ્યાલય ખાતે એક એવી ઘટના બની જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. ભારતીય પત્રકારોએ જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને આતંકવાદ (Terrorism)અને મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદ અંગે સીધા સવાલો કર્યા, ત્યારે તેઓ જવાબ આપવાને બદલે રસ્તો બદલતા જોવા મળ્યા. આ સમગ્ર ઘટનાક્રમે પાકિસ્તાનના આતંકવાદ પ્રત્યેના વલણને ફરી એકવાર ખુલ્લું પાડ્યું છે.
Terrorism ના મુદ્દે પાકિસ્તાની PM નો નકાર અને મૌન
સંયુક્ત રાષ્ટ્રની ઇમારતમાં પ્રવેશતી વેળાએ જ એક પત્રકારે શરીફને વેધક સવાલ કર્યો કે, પાકિસ્તાન આતંકવાદીઓને પોતાના દેશમાં આશ્રય આપવાનું ક્યારે બંધ કરશે? આ આકરા પ્રશ્નનો પાકિસ્તાની પીએમ પાસે કોઈ જવાબ નહોતો. તેમણે માત્ર પોતાનો હાથ ઊંચો કર્યો અને મૌન સેવીને આગળ વધવાનું જ મુનાસિબ સમજ્યું.
લશ્કર-એ-તૈયબા અને હાફિઝ સઈદ પર કાર્યવાહી અંગે ચુપકીદી
આ સિલસિલો ત્યાં જ ન અટક્યો. જ્યારે શાહબાઝ શરીફ UN મુખ્યાલયની બહાર આવી રહ્યા હતા ત્યારે ફરી એકવાર પત્રકારોએ પૂછ્યું કે, લશ્કર-એ-તૈયબા (LeT) ના વડા હાફિઝ સઈદ પર પાકિસ્તાન ક્યારે કડક પગલાં લેશે? આ વખતે પણ વડાપ્રધાને કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને ચુપચાપ ત્યાંથી રવાના થઈ ગયા. મીડિયા રિપોર્ટ્સમાં આ બંને ઘટનાઓને સમર્થન આપવામાં આવ્યું છે.
26/11 ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને ખુલ્લું સમર્થન
નોંધનીય છે કે હાફિઝ સઈદ લશ્કર-એ-તૈયબાનો મુખ્ય સ્થાપક છે. ભારત સરકારે તેને UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ વૈશ્વિક આતંકવાદી જાહેર કરેલો છે. મુંબઈમાં થયેલા 26/11 ના ભયાનક આતંકી હુમલાનો તે મુખ્ય સૂત્રધાર છે. છતાં તે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ હરીફરી રહ્યો છે અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI તેને કડક સુરક્ષા પૂરી પાડતી હોવાના સતત આક્ષેપો થતા રહ્યા છે.
પહેલગામ આતંકી હુમલામાં પણ પાકિસ્તાની કાવતરું
તાજેતરના અહેવાલો મુજબ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પહેલગામ આતંકી હુમલાની પૂરક ચાર્જશીટમાં હાફિઝ સઈદને 8 મા નંબરના આરોપી (Accused No. 8) તરીકે નામજદ કરાયો છે. NIA ના જણાવ્યા અનુસાર, 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા આ હુમલા પાછળનું મોટું ષડયંત્ર પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના આતંકીઓ દ્વારા ઘડવામાં આવ્યું હતું.
UN માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ઘેર્યું
આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી છે. ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગી (Kshitij Tyagi)એ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાન (Pakistan)ને સલાહ આપી હતી કે તેણે અન્ય દેશોની જમીન પર નજર બગાડવાનું અને સરહદ પાર આતંકવાદ ફેલાવવાનું બંધ કરીને પોતાના દેશની કથળતી અર્થવ્યવસ્થા અને વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. વધુમાં, ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાન-વ્યાપ્ત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં નિર્દોષ નાગરિકોની હત્યાઓ અને આવશ્યક ચીજવસ્તુઓની અછતનો મુદ્દો પણ આંતરરાષ્ટ્રીય મંચ પર ઉગ્રતાથી ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો :સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર ભારી પડનાર પેટલ ગેહલોત કોણ છે? સંગીત પ્રત્યે પણ ઉત્સાહી……
આ પણ વાંચો :ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પાકિસ્તાનને આપ્યો વળતો જવાબ
