Ahmedabad News: PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ GIDCમાં રોડ શો યોજયો હતો. રોડ શો બાદ થોડીવારમાં જ માઇક્રોન ટેક્નોલોજીના સેમિ કંડક્ટર (Semi Conductor) ચીપ પ્લાન્ટની અદ્યતન ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કર્યુ હતુ. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરી હતી.

ગુજરાત સેમિ કંડક્ટર(Semi Conductor) નું હબ બનશે
સાણંદમાં માઇક્રોન (Micron) સેમિકન્ડક્ટર (Semi Conductor) ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ 4.50 લાખ ચોરસ ફૂટ જમીનમાં પથરાયેલો છે. આ SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. 5000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે. PM મોદીએ સાણંદમાં ભવ્ય રોડ શો કર્યો હતો. PM નરેન્દ્ર મોદીના આ રોડ શોમાં લગભગ એક લાખથી પણ વધુ લોકોએ હાજરી આપી હતી. આમ ગુજરાત સેમી કંડક્ટરનું હબ બનશે.

ગુજરાતમાં સેમિ કંડક્ટરના ચાર પ્લાન્ટ
ગુજરાતમાં સેમી કંડક્ટર પ્લાન્ટમાં જોઈએ તો બીજો સેમી કંડક્ટર પ્લાન્ટ ટાટા-પીએસએમસી (Tata PSMC)નો છે. ધોલેરામાં આવેલો આ પ્લાન્ટ 6.59 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે ટાટાએ તેમા 91,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત ત્રીજો પ્લાન્ટ સાણંદમાં સીજી પાવર (CG Power) કંપનીનો છે. આ પ્લાન્ટ 1.75 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. તેમા કુલ રૂ. 7,600 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જ્યારે સાણંદમાં જ કેન્સ સેમીકોનનો (Canes Semicon) પ્લાન્ટ 1.75 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તે 3,300 કરોડનું રોકાણ ધરાવે છે. આમ ગુજરાતમાં કુલ ચાર સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે.
દેશના વિવિધ સ્થળોએ પણ છે સેમી કંડક્ટર પ્લાન્ટ
દેશમાં સ્થપાઈ રહેલા સેમિ કંડક્ટર પ્લાન્ટ તે વાતનો પુરાવો છે કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના મોરચે તેના ભવિષ્યને આકાર આપવામાં સજ્જ છે. ભારત એઆઈના મોરચે બીજા કોઈપણ દેશ કરતાં જરા પણ પાછળ રહેવા માંગતું નથી. તેથી ભારત આ દિશામાં બીજા દેશોની તુલનાએ ત્વરિત પગલાં ભરી રહ્યુ છે. આ તો ગુજરાતના પ્લાન્ટની જ વાત થઈ. આ સિવાય દેશમાં પણ નોઇડા અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણામાં પણ એઆઈના મોરચે કોઈને કોઈ પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે અથવા તો બેકઓફિસ ખૂલી રહી છે. ઓપન એઆઈ, ગૂગલ અને હવે એન્થ્રોપિક જેવી ટોચની એઆઈ કંપનીઓએ પણ ભારતમાં તેમની ઓફિસ શરૂ કરી છે. ભવિષ્ય એઆઈનું છે. તેથી દરેક કંપનીઓ તેનો ફાયદો ઉઠાવવા તત્પર છે. આવું એક સમયે આઇટી અને સોફ્ટવેર પ્રોફેશનલ્સ અંગે કહેવાતું હતું. ભારતે સોફ્ટવેર સર્વિસિઝમાં જે કાઠું કાઢ્યું છે, તેના પછી હવે ભારત એઆઈમાં કાઠુ કાઢે તે માટે સરકારે કમર કસી લીધી છે.

ગુજરાતમાં સેમિ કંડક્ટર પ્લાન્ટમાં 1.34 લાખ કરોડનું રોકાણ
આ અગાઉ ગુજરાત વિધાનસભા (Assembly)માં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કાર્યવાહી અંગે કરેલ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 1 લાખ 34 હજાર 933 કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે ચાર પ્લાન્ટનું કામ અત્યારે પ્રગતિમાં છે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને સેમી કંડક્ટર (Semi Conductor)નું હબ બનાવવાનો સંકલ્પ કરેલ છે, જે અંતર્ગત સેમી કંડક્ટરના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 75 હજાર કરોડનું પેકેજ જાહેર કરેલ છે, જેના કારણે આજે દેશમાં કુલ પાંચ સેમી કંડક્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે. દેશમાં ગુજરાત સેમી કંડક્ટર હબ બને તે માટે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સેમી કંડક્ટર પોલીસી તૈયાર કરી છે, જેના કારણે દેશના પાંચ સેમી કંડક્ટર પ્લાન્ટમાંથી ચાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે, જે પૈકી ત્રણ પ્લાન્ટ સાણંદ જીઆઈડીસી ખાતે બનવા જઈ રહ્યા છે. જ્યારે એક પ્લાન્ટ ધોલેરા ખાતે તૈયાર થઈ રહ્યો છે.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાણંદ જીઆઈડીસી ખાતે જે ત્રણ સેમી કંડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે તેમાં માઈક્રોન ટેકનોલોજી રૂપિયા 22516 કરોડના મુડી રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપી રહી છે. બીજો પ્લાન્ટ સી.જી. સેમી પ્રા.લી. રૂપિયા 7584 કરોડના મુડી રોકાણ સાથે સ્થાપી રહી છે. કેયન્સ સેમી પ્રા.લી. દ્વારા રૂપિયા 3307 કરોડના મુડી રોકાણ સાથે તૈયાર કરવામાં આવી રહેલ પ્લાન્ટનું કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત એક પ્લાન્ટ ધોલેરા જીઆઈડીસી ખાતે બનવા જઈ રહ્યો છે. દેશનો સૌથી મોટો એવો આ પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લી. કંપની રૂપિયા 91526 કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે સ્થાપી રહી છે. આમ ગુજરાતમાં 1 લાખ 34 હજાર 933 કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે આ ચાર પ્લાન્ટ સ્થપાવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત બનશે વિશ્વમાં સેમી કંડક્ટરનું હબ, 1 લાખ 34 હજારથી વધુનું મૂડી રોકાણ
આ પણ વાંચો: ગુજરાતમાં સેમી કંડક્ટર ક્ષેત્રે રોકાણ કરવા ઇચ્છુક તાઇવાન
આ પણ વાંચો: ગુજરાતમાં સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપશેઃ ટાટા ગ્રુપ
