National News : ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આજે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ગતિવિધિઓ તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 23મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવાના છે. ચાર દેશોના નેતાઓની મહત્વપૂર્ણ ક્વાડ સમિટ (Quad Summit)માં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા, ચીન પરની નિર્ભરતા અને આધુનિક ટેક્નોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથેની તેમની મુલાકાત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
Quad Summit: ચાર દેશોના નેતાઓ એક મંચ પર આવશે
મનીલામાં યોજાનારી બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump), જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ ભાગ લેશે. આ બેઠક 2024 પછી ક્વાડ નેતાઓની પ્રથમ શિખર બેઠક હોવાથી તેનું વિશેષ રાજદ્વારી મહત્ત્વ છે.

ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક મહિનામાં વેપાર ટેરિફ સહિતના મુદ્દાઓને લઈને સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને વ્યૂહાત્મક સહયોગ અંગે ચર્ચા કરવાની મહત્વપૂર્ણ તક બની શકે છે.
દરિયાઈ સુરક્ષાથી AI સુધીના મુદ્દાઓ પર ચર્ચા
આ બેઠકમાં ચાર મુખ્ય મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે.
- દરિયાઈ સુરક્ષા: ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મુક્ત અને સુરક્ષિત દરિયાઈ વ્યવસ્થા જાળવવા માટે સહયોગ વધારવો.
- સપ્લાય ચેઇન: મહત્વપૂર્ણ ખનિજો અને સેમિકન્ડક્ટર્સ માટે ચીન સહિત કોઈ એક દેશ પરની નિર્ભરતા ઘટાડવી.
- આધુનિક ટેક્નોલોજી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા અને ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ વધારવો.
- વિકાસ અને કનેક્ટિવિટી: ઈન્ડો-પેસિફિક દેશોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્ય સુરક્ષા અને આબોહવા પરિવર્તન સંબંધિત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવું.
દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી સક્રિયતા અને ફિલિપાઇન્સ સાથેના તણાવ વચ્ચે આ બેઠકનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વધી ગયું છે.
મોદી આસિયાન અને પૂર્વ એશિયા સમિટમાં પણ ભાગ લેશે
વડાપ્રધાન મોદી આજે 23મી આસિયાન-ભારત સમિટ ઉપરાંત 21મી પૂર્વ એશિયા સમિટમાં પણ ભાગ લેશે. તેઓ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરવાના કાર્યક્રમમાં છે.
ભારત અને આસિયાન વર્ષ 2026ને (ASEAN Summit 2026)દરિયાઈ સહયોગના વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. બંને વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા વેપાર, દરિયાઈ સુરક્ષા, કનેક્ટિવિટી અને પ્રાદેશિક સહયોગ જેવા મુદ્દાઓ મહત્વના રહેશે. વર્ષ 2027માં ભારત અને આસિયાન વચ્ચેના સંવાદ સંબંધોને 35 વર્ષ પૂર્ણ થશે.
ટ્રમ્પની ચીન મુલાકાત પહેલાં ક્વાડ બેઠકનું મહત્ત્વ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની આગામી ચીન મુલાકાતને ધ્યાનમાં રાખીને મનીલામાં યોજાનારી ક્વાડ બેઠક પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર છે. ટ્રમ્પ 19 નવેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાના છે.
આ સંજોગોમાં મોદી (Narendra Modi), ટ્રમ્પ, તાકાઇચી અને અલ્બેનીસની એક મંચ પર હાજરી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચારેય દેશોના સહયોગનો સંદેશ આપી શકે છે. ખાસ કરીને ચીન સાથેના વેપાર, સુરક્ષા અને વ્યૂહાત્મક સંબંધોની પૃષ્ઠભૂમિમાં આ બેઠક આગામી દિવસોની આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
