Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજ લાઈન અને પોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન (Morbi Farmers Protest) દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે. ખેતરોમાં કામગીરી શરૂ કરતા પહેલાં યોગ્ય વળતર આપવાની માંગ સાથે ખેડૂતો 18 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આંદોલનના આઠમા દિવસે મહિલાઓ અને ગામની દીકરીઓના ઉત્સાહભર્યા સમર્થનથી સમગ્ર આંદોલનને નવી ઊર્જા મળી છે.
Morbi Farmers Protest:ખેડૂતોને મળ્યું હજારો મહિલાઓનું સમર્થન!
ગુરુવારે રાત્રે આંદોલન સ્થળે ગામની દીકરીઓએ એક સામાજિક નાટક રજૂ કર્યું હતું. નાટકમાં ખેડૂતોની હાલાકી, જમીન સંબંધિત પ્રશ્નો, ખાનગી કંપનીની કામગીરી અંગે ઉઠતા પ્રશ્નો અને ખેડૂતોની લાગણીઓને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટૂંકા સમયની તૈયારી છતાં રજૂઆતને ઉપસ્થિત લોકોએ વધાવી લીધી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ આંદોલન (Morbi Farmers Protest)ના સમર્થનમાં જોડાઈ હતી. ડ્રોનથી સામે આવેલા દૃશ્યોમાં સમગ્ર વિસ્તાર લોકોની હાજરીથી છલકાતો જોવા મળ્યો હતો. આયોજકોના દાવા મુજબ હજારો મહિલાઓ અને ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગામની દીકરીઓએ માત્ર પાંચ કલાકની પ્રેક્ટિસ બાદ નાટક રજૂ કર્યું હતું. મહિલાઓએ ખેડૂતોને યોગ્ય વળતર મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોની માંગને સમર્થન આપ્યું હતું.
બીજી તરફ, ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી ચર્ચા માટે અનેક વખત મૌખિક સંદેશા મળ્યા છે, પરંતુ સત્તાવાર લેખિત આમંત્રણ મળ્યું નથી. ખેડૂત આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે મુખ્યમંત્રી તરફથી લેખિત આમંત્રણ મળ્યા બાદ જ ચર્ચા માટે નિર્ણય લેવામાં આવશે.
આંદોલનકારી નિલેશ એરવાડિયાએ જણાવ્યું કે છેલ્લા આઠ દિવસથી ઉપવાસ ચાલુ છે અને રાજ્યભરના ખેડૂતો તેમજ મહિલાઓનું સતત સમર્થન મળી રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો ખેડૂતોની માંગનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન (Morbi Farmers Protest) વધુ વ્યાપક બની શકે છે.
આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલનનો 8મો દિવસ: 5,551 ખેડૂતોનું એક જ દિવસમાં રક્તદાન, ગુજરાતનો નવો રેકોર્ડ
આ પણ વાંચો:જેતપર ખેડૂતોના આંદોલનમાં નવો વળાંક: મંત્રી કાંતિ અમૃતિયાના સગા ભાઈ જ ખેડૂતોની લડતમાં જોડાયા
આ પણ વાંચો:જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ: 15 ખેડૂતોએ મુંડન કરાવ્યું, 9 ખેડૂતોના આમરણ ઉપવાસને મળ્યું સમર્થન
