India Crude Oil Import: વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારતના ક્રૂડ ઓઇલ આયાતને લઈને નવી ચિંતાઓ ઉભી કરી છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલા તણાવ વચ્ચે ભારતે છેલ્લા કેટલાક મહિનામાં વેનેઝુએલાથી કાચા તેલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. જોકે, હવે ભૂકંપના કારણે ત્યાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, માર્ગ અને પરિવહન વ્યવસ્થા પ્રભાવિત થઈ છે તેમજ બંદરો પર ઇમરજન્સી પ્રતિબંધો લાગતા તેલની સપ્લાયમાં વિલંબ થવાની શક્યતા વધી છે.
તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ હોર્મુઝ જળમાર્ગ પરનો તણાવ ઘટવાની આશા જાગી હતી, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠો સામાન્ય બનશે એવી અપેક્ષા હતી. પરંતુ વેનેઝુએલામાં આવેલા ભૂકંપે ભારત માટે ફરી એકવાર પુરવઠા અંગેની અનિશ્ચિતતા ઊભી કરી છે.
તેલ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે વેનેઝુએલા છેલ્લા થોડા સમયમાં ભારતીય રિફાઇનરીઓ માટે મહત્વપૂર્ણ ક્રૂડ ઓઇલ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. જોકે ભૂકંપ બાદ વીજળી ખોરવાવા, રસ્તાઓને નુકસાન અને બંદરો પર પ્રતિબંધોને કારણે જહાજોની અવરજવર ધીમી પડી શકે છે. ખાસ કરીને વેનેઝુએલાના મુખ્ય કાર્ગો બંદર ‘લા ગુઆઇરા’ને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરાતા શિપિંગ કામગીરી પર અસરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક વધારો થશે તેવી સ્થિતિ નથી. પરંતુ જો સપ્લાયમાં લાંબો વિલંબ થશે તો શિપિંગ ખર્ચ, વીમા પ્રીમિયમ અને ડેમરેજ ચાર્જ વધી શકે છે, જેના કારણે ક્રૂડ ઓઇલની આયાત મોંઘી પડી શકે છે. લાંબા ગાળે આ વધારાનો બોજ રિફાઇનરીઓ પર આવી શકે છે અને તેની અસર ઇંધણના ભાવ પર પણ જોવા મળી શકે છે.
ભારતની સરકારી કંપની ONGC વિદેશે પણ વેનેઝુએલાના તેલ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. જો ત્યાં લાંબા સમય સુધી ઉત્પાદન અથવા નિકાસ પ્રભાવિત રહેશે તો ભારતના વ્યાપારી અને આર્થિક હિતો પર પણ તેની અસર પડી શકે છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ સાથે બેઠક કરી હતી, જેમાં ખનિજ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ સહિતના ક્ષેત્રોમાં ભારતીય રોકાણ વધારવા અંગે ચર્ચા થઈ હતી. જોકે ભૂકંપ બાદ આ યોજનાઓની ગતિ પર પણ અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
