Rain/ દેશમાં અતિભારે વરસાદના લીધે 20થી વધુ લોકોના મોત,ઉત્તર ભારતમાં જળ પ્રલય

હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

Top Stories India
1 9 દેશમાં અતિભારે વરસાદના લીધે 20થી વધુ લોકોના મોત,ઉત્તર ભારતમાં જળ પ્રલય

દેશના અનેક રાજ્યોમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મેદાનોથી લઈને પહાડો સુધી વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અવિરત વરસાદને કારણે દેશના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં લગભગ 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.ઉત્તર ભારતમાં તારાજીના દ્વશ્યો જોવા મળ્યા હતા.

હવામાન વિભાગે રવિવારે (9 જુલાઈ) જણાવ્યું હતું કે જુલાઈના પ્રથમ આઠ દિવસમાં થયેલા વરસાદે સમગ્ર દેશમાં વરસાદના અભાવને વળતર આપ્યું છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 243.2 મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં બે ટકા વધુ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બે દિવસથી સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ભારે જામ પણ જોવા મળ્યો હતો.

દિલ્હીમાં શાળાની રજા

સોમવારે દિલ્હીની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને સોમવારે દિલ્હીની તમામ શાળાઓને એક દિવસ માટે બંધ રાખવામાં આવી રહી છે.

40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

IMDએ જણાવ્યું હતું કે રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1982 પછી જુલાઈ મહિનામાં એક દિવસમાં સૌથી વધુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાના પવનો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને કારણે દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અહીંના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. દિલ્હીમાં વરસાદના કારણે તેના ફ્લેટની છત તૂટી પડતાં 58 વર્ષીય મહિલાનું મોત થયું છે.

સાંસદોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા

દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સાંસદ રામ ગોપાલ યાદવના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના એલજી સાથે વાત કરી અને અપડેટ લીધી. ગૃહમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના એલજી સાથે પણ વાત કરી અને ભારે વરસાદને કારણે સ્થગિત કરાયેલી અમરનાથ યાત્રા અંગે અપડેટ લીધી. આ વરસાદ દરમિયાન પહાડી રાજ્યોમાં સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે શિમલા જિલ્લાના કોથગઢ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થયું. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. કુલ્લુ શહેરમાં પણ ભૂસ્ખલનથી એક અસ્થાયી મકાનને નુકસાન થયું હતું જેમાં એક મહિલાનું મોત થયું હતું. અન્ય એક અકસ્માતમાં, ચંબા તહસીલના કટિયનમાં શનિવારે રાત્રે ભૂસ્ખલનની ચપેટમાં એક વ્યક્તિ દટાઈ ગયો હતો