Ahmedabad News: રાજ્યમાં વિવિધ કોર્પોરેશનો એટલે કે નગરનિગમોની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે અમદાવાદમાં કોર્પોરેટરોની નિષ્ક્રીયતાથી સાંસદ દિનેશ મકવાણા ભડક્યા છે. નવા પક્ષપ્રમુખના અભિવાદન માટે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં કોર્પોરેટરોની ગેરહાજરીથી દિનેશ મકવાણાનો પિત્તો ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે દરેક કામ વખતે 20માંથી માંડ 10 કોર્પોરેટરો હાજર રહે છે. બાકીના આવતા જ નથી. આવું દર વખતનું થઈ ગયું છે. આટલી હદ સુધીની નિષ્ક્રીયતા ક્યાંથી ચાલે. સાંસદ મકવાણાનો બળાપો દર્શાવે છે કે કોર્પોરેટરો પણ હવે શિસ્તમાં રહ્યા નથી, શિસ્ત માટે જાણીતા પક્ષમાં જાણે ગેરશિસ્ત નવું ચલણ બની ગઈ છે, ન્યુ નોર્મલ બની રહી છે.
સાંસદ દિનેશ મકવાણાએ ગેરહાજર રહેલા કોર્પોરેટરોની બરોબરની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં માંડ ત્રણ મહિના બાકી રહ્યા છે. આમ છતાં ચૂંટાયેલી પાંખના સભ્યો પક્ષના કાર્યક્રમોને લઈને ગંભીર નથી. નવા પક્ષપ્રમુખના અભિવાદનના કાર્યક્રમમાં હાજર રહેવાની તસ્દી પણ તે લેતા નથી.
તેમણે કોર્પોરેટરોને ખખડાવતા ઉમેર્યુ હતું કે વાસ્તવમાં તો ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિ તરીકે તેમની જવાબદારી વધારે છે. તે પક્ષ પ્રત્યે પ્રતિબદ્ધ હોવા જોઈએ. ચૂંટણી માથા પર છે ત્યારે કોર્પોરેટરોની આવી નિષ્કાળજી અને બેદરકારી પક્ષને ભારે પડી શકે છે. તેની સીધી અસર આગામી ચૂંટણીના પરિણામ પર પડી શકે છે. દિનેશ મકવાણાએ કોર્પોરેટરોને જણાવ્યું હતું કે આ વખતે ચેતવણી આપી છે તેમા સમજી જાવ, નહીં તો પછી ધમકીની ભાષાનો ઉપયોગ કરવો પડશે. આગામી દિવસોમાં પક્ષના કાર્યક્રમમાં જે પણ કોર્પોરેટર ગેરહાજર હશે તેની સામે આકરાં પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabad News/ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોની કરાઈ બદલી
આ પણ વાંચો: Ahmedabad/ રેશનિંગની દુકાનમાં આજથી શરૂ થતું અનાજનું વિતરણ મોકૂફ, શહેરમાં ગરીબોની સ્થિતિ બનશે કફોડી
આ પણ વાંચો: #Ahmedabad/ આજથી શરૂ થશે અમદાવાદથી દિલ્હીની ટ્રેન, માત્ર કન્ફોર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રીઓને મળશે પ્રવેશ
