Mumbai-Ahmedabad bullet train project/  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગ , ગુજરાતમાં ત્રણ નદીઓ પર એક મહિનામાં બન્યા પુલ 

 શરૂઆતમાં ધીમી ગતિએ ચાલ્યા બાદ હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટએ રફતાર પકડી છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોરિડોર (NHSRCL) એ એક મહિનામાં ગુજરાતમાં ત્રણ મોટા બ્રિજનું કામ પૂર્ણ કર્યું છે.

Top Stories Gujarat
MAHSR

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે જાણીતા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) પરના કામની દેખરેખ રાખતા અધિકારીઓ કહે છે કે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને તેમને ગુજરાતમાં એક મહિનામાં ત્રણ નદી પર પુલના નિર્માણ કર્યાની જાણકારી આપી છે. હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરી રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કોરિડોર (NHSRCL)ના અધિકારીઓનું કહેવું છે કે 24 બ્રિજમાંથી ચારનું છેલ્લા છ મહિનામાં નિર્માણ કરવામાં આવ્યું છે. NHSRCL એ એક રિલીઝમાં જણાવ્યું છે કે નવસારી જિલ્લામાં આ ચારમાંથી ત્રણ બ્રિજ એક મહિનામાં બાંધવામાં આવ્યા છે, જે હાઇ સ્પીડ રૂટ પર બીલીમોરા અને સુરત સ્ટેશન વચ્ચે આવેલા છે. તમને જણાવી દઈએ કે આ કોરિડોર પર 24 નદી પુલ છે, જેમાંથી 20 ગુજરાતમાં છે અને બાકીના 4 પુલ મહારાષ્ટ્રમાં છે.

ત્રણ નદીઓ પર ત્રણ પુલ તૈયાર

ભારતીય રેલ્વેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NHSRCLનું કહેવું છે કે પહેલો પુલ પૂર્ણા નદી પર, બીજો મિંધોલા નદી પર અને ત્રીજો પુલ અંબિકા નદી પર બનાવવામાં આવ્યો છે. MAHSR કોરિડોરે નોંધપાત્ર પ્રગતિ કરી છે કારણ કે છેલ્લા એક મહિનામાં ત્રણ નદી પુલ પૂર્ણ થયા છે. ગુજરાતનો સૌથી લાંબો નદી પુલ 1.2 કિમીનો છે અને તે નર્મદા નદી પર બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ કોરિડોરનો સૌથી લાંબો નદી પુલ મહારાષ્ટ્રમાં 2.28 કિમીનો છે, જે વૈતરણા નદી પર બની રહ્યો છે. NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે નદીઓ પર પુલ બનાવવા માટે કાર્યક્ષમ આયોજનની જરૂર છે. તેમણે કહ્યું કે, મિંધોલા અને પૂર્ણા નદી પર પુલના નિર્માણ દરમિયાન અરબી સમુદ્રના મોજાઓ પર નજીકથી નજર રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમારા એન્જિનિયરોએ અંબિકા નદી પર પુલના નિર્માણ માટે 26 મીટરની ઊંચાઈથી કામ કર્યું હતું.

પુલનું બાંધકામ પડકારજનક હતું
NHSRCLનું કહેવું છે કે પૂર્ણા નદી પરનો પુલ 360 મીટર લાંબો છે અને તેના નિર્માણ દરમિયાન અરબી સમુદ્રમાં ઉંચી અને નીચી ભરતી પર સતત દેખરેખ રાખવાની જરૂર હતી. એનએચએસઆરસીએલના જણાવ્યા અનુસાર, પુલનો પાયો નાખવાનું કામ પણ ખૂબ જ પડકારજનક હતું કારણ કે ઊંચી ભરતી વખતે નદીમાં પાણીનું સ્તર પાંચથી છ મીટર સુધી વધતું હતું. અધિકારીએ જણાવ્યું કે, મિંધોલા નદી પર 240-મીટર લાંબા પુલના નિર્માણ માટે અરબી સમુદ્રમાં ઉંચી અને નીચી ભરતીનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, નદી કિનારાના ઢાળના કારણે અંબિકા નદી પરના 200 મીટર લાંબા પુલ માટે પડકાર સર્જાયો હતો. ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી એવા આઠ હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો પર નિર્માણ કાર્ય વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે. NHSRCLનું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2026માં શરૂ થવાની સંભાવના છે.

આ પણ વાંચો:child death/પાટણમાં હસતારમતા બાળકને મળ્યું મોત

આં પણ વાંચો:Army School/ભારતની પ્રથમ સૈનિક સ્કૂલ ગુજરાતમાં બનશે , જુઓ આવી હશે શાળાની સુવિધાઓ

આ પણ વાંચો:GIFT NIFTY/SGX NIFTY આજથી બન્યો GIFT NIFTY: ભારત માટે ઇતિહાસ રચાયો