વિસાવદરમાં પેટાચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. રાજકીય પક્ષો તેના તૈયારીમાં લાગી ગયા છે. આમ આદમી પાર્ટી (આપ)એ તેના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર પણ કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ તેમની કુકરીઓ ગોઠવવામાં વ્યસ્ત છે. આ જ સમયે વિસાવદર નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આવતા સ્વાભાવિક રીતે શાસક પક્ષના ભવા વંકાયા છે અને વિપક્ષને બગાસુ ખાતા પતાસુ મળ્યા જેવો ઘાટ થયો છે. બરોબર ચૂંટણી સમયે જ વિસાવદરની નગરપાલિકાનો ભ્રષ્ટાચાર વિપક્ષને બરોબરનું માઇલેજ પૂરુ પાડી શકે છે, જ્યારે શાસક પક્ષને આ ભ્રષ્ટાચાર કલ્પી ન શકાય તેવો ફટકો પણ મારી શકે છે.

ગોપાલ ઇટાલિયાએ તો ગામડે-ગામડે જઈને જનસંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે તો બીજી બાજુએ અન્ય મુખ્ય વિપક્ષ અને શાસક પક્ષ જાણે હજી પણ તંદ્રા અવસ્થામાં જ છે. વિસાવદર નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર યોજના ચાલી રહી છે અને નલ સે જલની યોજના પણ ચાલી રહી છે. આ બંને યોજનામાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણમાં આવ્યું છે. આ બંને સરકારી યોજનામાં કોઈપણ પ્રકારના નીતિ નિયમનુ પાલન ન કરાયાનું અને બધી જ સરકારી જોગવાઈ કોરાણે મૂકી દઈને કોન્ટ્રાક્ટની રીતસર લ્હાણી કરાયાનું જાગૃત નાગરિકના ધ્યાન પર આવ્યું છે.

આટલું જ નહીં આ યોજના હેઠળ કોન્ટ્રાક્ટ મેળવનારી કેટલીક એજન્સીઓએ તો તેમનું કામકાજ રીતસરનું કાગળ પર બતાવ્યું છે અને રૂપિયા ઉસેટી લીધા છે. તેમા જિલ્લાના જ પક્ષીય આગેવાનોએ તેમા ભળી જઈને મોટાપાયા પર ભ્રષ્ટાચાર આચર્યો છે. હાલમાં તો ગમે તે ઘડીએ આ ભ્રષ્ટાચારીઓને ભોંયભેગા કરવા તેમની સામે પોલીસ ફરિયાદ અને કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવનારી છે. આ ભ્રષ્ટાચારીઓ સામે પુરાવા મેળવાઈ ગયા છે.
હવે વિસાવદરમાં નવી ચૂંટાયેલી નગરપાલિકામાં ભાજપના 21 સભ્યો છે, તેની સામે વિપક્ષમાં પણ વાંધા ઉઠાવનારાઓ નથી ત્યારે વર્તમાન પ્રતિનિધિઓ પાણી પુરવઠાના અને ભૂગર્ભ ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચારની સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી તે પોતે પણ તેની સાથે જોડાઈ જાય છે તે જોવાનું છે. તેઓ આ ભ્રષ્ટાચારની તપાસ કરશે કે નહીં તેના પર આગળની કાર્યવાહીનો આધાર છે. જો નવી ચૂંટાયેલી બોડી તપાસ કરે અને દોષિતો સામે કાર્યવાહી કરે તો પછી બીજી કોઈ વાત નથી, પરંતુ શું તે આ પ્રકારના ખુલ્લેઆમ થયેલા ભ્રષ્ટાચાર સામે ઠરાવ કરીને તપાસ માટે રાજ્ય સરકારને કહેશે અથવા પોતે તપાસ કરશે કે રાજ્ય સરકારનું ધ્યાન દોરશે.

હાલમાં તો વિસાવદરમાં થયેલા આ પ્રકારના ભ્રષ્ટાચાર માટે જાગૃત નાગરિક દ્વારા આ બાબતે જુદી-જુદી જગ્યાએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સરકારની મંજૂરી માંગી છે, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેને આ પ્રકારની મંજૂરી પણ મળી નથી. આમ આ દિશામાં આગળની કાર્યવાહીને અટકાવી દેવાઈ છે.
જો કે પેટાચૂંટણી સમયે જ તંત્રનો આ ભ્રષ્ટાચાર બહાર આવવાથી વિપક્ષ ગેલમાં છે. ચૂંટણીમાં આ મુદ્દો તેને ખૂબ જ કામ આવશે તેમ માનવામાં આવે છે. હવે સરકાર ભ્રષ્ટાચારને લઈને કાર્યવાહી કરતી નથી તો વિપક્ષને તે મુદ્દો ઉઠાવવાની તક મળશે કે સરકારના પારદર્શક વહીવટના દાવા ક્યાં ગયા, આ પ્રકારનો ભ્રષ્ટાચાર કેમ સાંખી લેવાય છે. તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી.

તંત્રએ વિસાવદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા મંજૂરી ન આપતા જાગૃત નાગરિકે આ ભ્રષ્ટાચાર કરનારા અને તેને છાવરનારા બધાને ગુજરાત હાઇકોર્ટમાં ઘસડ્યા છે. સરકાર વિરુદ્ધનું હોય અને ભ્રષ્ટાચારની વાત હોય એટલે વિપક્ષ આ જાગૃત નાગરિકના સમર્થનમાં ઉતરી જ આવવાનું છે. આના કારણે વિપક્ષ માટે જાણે ચૂંટણી સમયે જ તેમના માટે જાણે એક જમીન તૈયાર થઈ રહી છે.
તંત્રના સ્વચ્છ વહીવટના દાવાની સામે આટલા મોટાપાયા પરના ભ્રષ્ટાચારને વિપક્ષ ચોક્કસપણે ખૂબ જ ગજવશે. કદાચ પેટાચૂંટણીની દરેક સભામાં આ મુદ્દો ગાજશે તો આશ્ચર્ય નહી થાય. આ ભ્રષ્ટાચારીઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓએ નલ સે જલ અને ભૂગર્ભ ગટર યોજનામાં લાખો યોજના ઉતારી લીધા છે. તેથી વિપક્ષ પણ કહેશે કે આ ભ્રષ્ટાચારીઓ ભૂગર્ભ ભેગા થઈ જાય તે પહેલા તેમની સામે કાર્યવાહી કરો. આ સિવાય તે સભા ગજવતા કહેશે કે વિસાવદરના ભ્રષ્ટાચારીઓને ભૂગર્ભમાં ભંડારવાનો સમય આવી ગયો છે. વિસાવદરની પ્રજા માટે આ પેટાચૂંટણી તે ભ્રષ્ટાચારીઓને કાયમ માટે ભૂગર્ભમાં ભંડારી દેવાની તક છે.
વિસાવદર પાલિકા હવે વિસાવદરની ચૂંટણીમાં શાસક પક્ષને પાદર પણ ભાળવા દે છે કે નહીં તે જોવાનું રહેશે. વિપક્ષ વિસાવદરના ભ્રષ્ટાચારનો પેટાચૂંટણીમાં કેટલી હદ સુધી ફાયદો ઉઠાવી શકે છે તે પણ જોવું જરૂરી થઈ પડશે. જો કે આ બધા વચ્ચે આ યોજનાના ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવી તો જરૂરી થઈ પડે છે. આ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચારની દુકાન બીજે ક્યાંય ખોલે તે પહેલાં અહીં જ તાળા મારી દેવામાં આવે તે જરૂરી છે. તંત્રની આ ફરજ પણ છે. આમ નહીં કરવામાં આવે તો આવી અનેક ભ્રષ્ટાચારીઓની દુકાન તંત્રની વાત તો જવા દો પ્રજાના ખિસ્સા પણ ખાલી કરી નાખશે.
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
