Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે. આ સાથે જ હાઈકોર્ટે કોર્ટ ફીમાંથી મુક્તિ માંગતી વકફોની આશરે 150 જેટલી અરજીઓને એકસાથે ફગાવી દીધી છે.
અત્યાર સુધી વકફ સંસ્થાઓ કેટલીક કાયદાકીય જોગવાઈઓ હેઠળ કોર્ટ ફીમાં છૂટછાટનો લાભ લેતી હતી. હવે મુસ્લિમ વકફોને અન્ય ધાર્મિક ટ્રસ્ટો અથવા સખાવતી સંસ્થાઓની સમકક્ષ ગણવામાં આવશે. ન્યાયિક પ્રક્રિયામાં સામેલ થવા માટે વકફોએ હવે નિયત કોર્ટ ફી ભરવી અનિવાર્ય રહેશે. નિયત કોર્ટ ફી છૂટછાટની માંગ કરતી તમામ 150જેટલી પડતર અરજીઓને કોર્ટે બિનપાયાદાર ગણીને રદ કરી છે.
આ ચુકાદાને આવકારતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, ગુજરાતની નામદાર હાઈકોર્ટનો આ નિર્ણય ન્યાયિક ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરનારો છે. કોઈપણ ધાર્મિક સંસ્થા કાયદાથી ઉપર નથી. અમારી સરકાર હંમેશા ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સમાન ન્યાય’ના મંત્રમાં માને છે. હિંદુ ટ્રસ્ટો વર્ષોથી કોર્ટ ફી ચૂકવે જ છે, ત્યારે વકફ સંસ્થાઓ માટે અલગ નિયમ હોઈ શકે નહીં. આ ચુકાદાથી કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને વહીવટી સમાનતા મજબૂત બનશે. આ ચુકાદા બાદ હવે તમામ ધાર્મિક સંસ્થાઓ માટે એકસમાન કાયદાકીય માળખું અમલી બનશે.
કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ન્યાયતંત્રમાં સૌ સમાન છે અને કાયદો કોઈ પણ ધર્મ કે સંસ્થા માટે ભેદભાવ રાખતો નથી. નામદાર હાઈકોર્ટનો આ આદેશ કાયદાના શાસનની જીત છે. વકફ સંસ્થાઓને મળતી વિશેષ છૂટછાટોનો અંત આવવાથી ન્યાયિક પ્રક્રિયા વધુ પારદર્શક અને ન્યાયસંગત બનશે. આ ચુકાદો બંધારણીય સમાનતાના મૂલ્યોને વધુ દ્રઢ કરે છે.

