lifestyle: આમ તો, ચોમાસાની ઋતુ અત્યંત આહ્રલાદક તથા તન-મનને શીતળતા પ્રદાન કરનારી હોય છે, પરંતુ આ મોસમમાં કેટલાય પ્રકારની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. હકીકતમાં, વરસાદી વાતાવરણમાં ભેજનું પ્રમાણ અધિક હોવાથી બૅક્ટેરિયા, વાયરસ તથા ફૂગ ઘણી ઝડપથી વૃદ્ધિ પામે છે અને તેમનો ચેપ લાગવાથી આપણી ઇમ્યુનિટી નબળી પડી શકે છે. એવામાં શરીરને અંદરથી મજબૂત બનાવવું ખૂબ જ જરુરી છે, જેથી આવા અનેક જાતના સંક્રમણોથી બચી શકાય.
આમ જોઇએ તો બજારમાં એવા કેટલાય ઉત્પાદનો ઉપલબ્ધ છે, જે શરીરની આંતરિક શુદ્ધિ કરવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને વધારવાનો પણ દાવો કરે છે. અલબત્ત, એમાં એવા કેટલાય ખતરનાક કેમિકલ્સ હોય છે જે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો પણ કરી શકે છે. આ સંજોગોમાં, હવે તમે ઘરે બેઠાં જ એક એવો હૅલ્ધી જ્યુસ બનાવી શકો છો, જે ફક્ત હૅલ્ધી જ નહિ, પરંતુ ઇમ્યુનિટીને મજબૂત કરવામાં પણ ઘણો જ મદદગાર સાબિત થશે.
જ્યુસ બનાવવાની સામગ્રી
1 ટમેટું
1 ગાજર
1 નાનું બીટ
અડધા દાડમનાં દાણા
2 તાજા આમળા
અડધો લીંબુનો રસ
સ્વાદાનુસાર સંચળ
1 ગ્લાસ ઠંડુ પાણી
ઘરે કઇ રીતે બનાવશો આ જ્યુસ
આ હૅલ્ધી જ્યુસને બનાવવા માટે, સૌપ્રથમ તમામ શાકભાજી તથા ફળોને સારી રીતે ધોઇ લો. ટમેટા, ગાજર અને બીટને નાના-નાના ટુકડાઓમાં સમારી લો. હવે આ બધું એક મિક્સર જારમાં નાખી, એમાં દાડમના દાણા અને આમળા પણ ઉમેરી દો. એમાં થોડું પાણી નાખીને સારી રીતે બ્લૅન્ડ કરી લો. આ મિશ્રણને વ્યવસ્થિત રીતે ગાળી લો. એમાં લીંબુનો રસ તથા સ્વાદાનુસાર સંચળ ઉમેરીને હવે તમે પી શકો છો. આ રીતે સરળતાથી તૈયાર થયેલાં આ સ્વાદિષ્ટ અને ગુણકારી જ્યુસને ઠંડો-ઠંડો સર્વ કરવા માટે તમે એમાં બરફના ટુકડા પણ ઉમેરી શકો છો.
ઇમ્યુનિટી બુસ્ટર છે આ જ્યુસ
ચોમાસાની ઋતુમાં આ જ્યુસ એક ઉત્તમ ઇમ્યુનિટી બુસ્ટરની ગરજ સારે છે. વાસ્તવમાં, ટમેટા, આમળા, દાડમ અને અનારમાં એવા ઘણા પ્રકારના પોષક તત્વો રહેલાં છે જે આપણા શરીર માટે ઘણા જ ફાયદાકારક હોય છે. ટમેટા અને આમળામાંથી વિટામિન C મળે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જેનાથી ઋતુકીય બીમારીઓથી આપણે સુરક્ષિત રહીએ છે. વળી, ગાજર અને ટમેટામાંથી ભરપૂર માત્રામાં વિટામિન A પ્રાપ્ત થાય છે, જે આંખો માટે પણ અત્યંત લાભદાયી છે.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
