RELATIONSHIP: દરેક સંબંધમાં સારો-માઠો સમય તો આવે જ છે. ક્યારેક તમે એક-બીજા સાથે પ્રેમભરી ક્ષણો વિતાવો છો, તો ઘણીવાર ઝગડા પણ થાય છે. પરંતુ, જો તમારી વચ્ચે ન તો લડાઇ-ઝગડા થાય છે, ન તો કોઇ ચણભણ, એમ છતાં શું તમે સતત એવું અનુભવો છો કે તમારા સંબંધમાં કંઇક બદલાઇ ગયું છે? તમારા પાર્ટનર સાથે તમારી વાતચીત તો થાય છે, પણ શું એમાં પહેલા જેવી ઉષ્મા નથી જણાતી? આનો જવાબ જો હા છે, તો શક્ય છે કે તમે બેંક્સીંગ (Banksying) નો શિકાર બની ચૂક્યા છો.
શું છે આ બેંક્સીંગ (Banksying)?
અત્રે જણાવી દઇએ કે, બેંક્સીંગ એક નવો જ ડેટિંગ ટ્રેન્ડ છે, જેનું નામકરણ વિખ્યાત પરંતુ અજ્ઞાત કલાકાર Banksy પરથી કરવામાં આવ્યું છે. બેંક્સી એક એવો કલાકાર છે જે જાહેરમાં પોતાની પેઇન્ટિંગ બનાવીને ચૂપચાપ અલોપ થઇ જાય છે! બરાબર આ જ રીતે, જ્યારે એક સંબંધથી જોડાયેલી બે વ્યક્તિઓ, એકબીજાને કશું જ કહ્યાં વિના, પોતાના પાર્ટનરથી ધીમે-ધીમે ભાવનાત્મક રીતે દૂર થતી જાય, ત્યારે એને બેંક્સીંગ કહેવામાં આવે છે.
આ સંકેતોને અવગણશો નહિ
જો તમારો પાર્ટનર તમારી સાથે પહેલાની જેમ વાત કરતો નથી
જો એ હવે ક્યારેય તમને સામેથી મળવાનો સમય નથી કાઢતો કે સામેથી વાત કરવાની તસ્દી નથી લેતો
દરેક બાબતમાં તમને જ ખોટાં સાબિત કરે છે
એને સવાલ કરો તો ‘તું વધુપડતું વિચારે છે’ કે, ‘બધું ઠીક છે’ જેવા ઉડાઉ જવાબો આપે છે
તમારા સંબંધમાં હવે પહેલા જેવો આનંદ, ઊંડાણ અને પ્રેમ અનુભવાતો નથી, તો સમજી લો કે આ બધાં બેંક્સીંગના સંકેતો છે.
લોકો આખરે કેમ આવું કરે છે?
બેંક્સીંગ પાછળના જવાબદાર કારણો અનેક હોઇ શકે છે. જો કે, આ તમામ કારણોમાં સૌથી પ્રમુખ કારણ છે ડર. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, કેટલાક લોકો સાફ-સાફ વાત કહેવામાં ડરે છે. એમને લાગે છે કે બ્રેકઅપ ની વાત કરીશું તો ઝઘડો થશે. એટલા માટે જ એ ચૂપચાપ અંતર વધારવા લાગે છે જેથી ઘર્ષણને ટાળી શકાય. જો કે, આનાથી સામેના વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ડહોળાઇ શકે છે. બેંક્સીંગ (Banksying) નો શિકાર બનેલી સામેની વ્યક્તિને જરાય સમજ પડતી નથી કે એની ભૂલ ક્યાં થઇ ગઇ! ઘણા કિસ્સાઓમાં, આવી વ્યક્તિ પોતાના પર શંકા કરવા લાગે છે અને એનો આત્મવિશ્વાસ પણ ડગમગવા લાગે છે. આવા સંજોગોનો શિકાર બનેલી વ્યક્તિને ફરીવાર કોઇ અન્ય સંબંધમાં બંધાવાથી ડર લાગે છે.
આવા સંજોગોમાં શું કરવું?
જો તમને બેંક્સીંગનો શિકાર બન્યા હોવાનું મહેસૂસ થઇ રહ્યું છે, તો આવા સંજોગોમાં તમારા પાર્ટનર સાથે મન મોકળું કરીને વાત કરી લેવી જોઇએ. જો એ વારંવાર વાત કરવાનું ટાળ્યાં જ કરે, તો પછી આખરી નિષ્કર્ષ પર પહોંચતા પહેલા સૌપ્રથમ પોતાની ખુશીનો વિચાર કરવો જરુરી છે. આ રીતે કરવાથી, અવારનવાર થતી ભાવનાત્મક વેદનાથી તમે સ્વયંને બચાવી શકશો.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
