Surat News : સુરતમાં સોશિયલ મિડીયાનું વળગણ ધરાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મિડીયાના માધ્યમથી યુવક અને યુવતી સંપર્કમાં આવ્યા હતા. બાદમાં યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ સગીરાનો વિશ્વાસ જીતી લઈ વીડિયો કોલમાં યુવતીને નિર્વસ્ત્ર કરાવી સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું. યુવકે યુવતીને આ રેકોર્ડિંગ વાઇરલ કરવાની ધમકીઓ આપીને રૂપિયા પડાવ્યા. માત્ર બે માસની અંદર જ યુવકે યુવતીને ફસાવી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે ફરિયાદ બાદ કાપોદ્રા પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપ અનુસાર, સુરતનાં (Surat) કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતી બે મહિના પહેલા સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ થકી એક યુવક કરણ ઘનશ્યામ હિરપરાના સંપર્કમાં આવી હતી. યુવક યુવતી સાથે અવારનવાર વાતો કરી મિત્રતા કેળવી અને તેણીને લલચાવી-ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ વીડિયો કોલ થકી યુવકે વાત કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન, યુવકે યુવતીનો વિશ્વાસ જીતી લઈ વીડિયો કોલિંગ કરી સગીરાને નિર્વસ્ત્ર કરાવી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું. ત્યાર બાદ સ્ક્રીન રેકોર્ડિંગ અને વીડિયો કોલનાં સ્ક્રીન શોટ્સ લઈ યુવક યુવતીને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો.
યુવકે યુવતીને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવ્યા હતા. જો કે, યુવકના સતત માનસિક ત્રાસથી કંટાળેલી સગીરાએ આખરે આ અંગે પરિવારને જાણ કરી હતી. જે બાદ પરિવારે તાત્કાલિક કાપોદ્રા પોલીસનો (Kapodra Police) સંપર્ક કર્યો હતો. પોલીસે કાર્યવાહી કરી કરણ ઘનશ્યામ હિરપરાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી કરણ હિરપરાનો સરાજાહેર વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવ્યું. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat News/સુરતમાં 200 કરોડથી પણ વધુ રકમનું સાઇબર ફ્રોડનું કૌભાંડ પકડાયું
