Ahmedabad Traffic Police Mega Drive: અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદાનું કડક પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ કડક મૂડમાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ મેગા ડ્રાઈવ (ઝુંબેશ) શરૂ કરીને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે.

Ahmedabad : બ્લેક ફિલ્મ હટાવી, 5 ગાડીઓ જપ્ત
ટ્રાફિક પોલીસની આ ખાસ ડ્રાઈવ અંતર્ગત “એ” ડિવિઝન ટ્રાફિક પોલીસે રસ્તા પર કાયદેસરની કાર્યવાહી તેજ કરી હતી. ચેકિંગ દરમિયાન રસ્તા પર નંબર પ્લેટ વગર, નિયમ વિરુદ્ધની ફેન્સી નંબર પ્લેટ લગાવીને અથવા કારના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવીને વટથી ફરતા ચાલકોને પોલીસે આંતર્યા હતા. પોલીસે કાયદાનો ભંગ કરનારી આવી 5 જેટલી લક્ઝરી ફોર વ્હીલર (ગાડીઓ) ને ઘટનાસ્થળે જ ડિટેઇન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હેલ્મેટ અને લાઈસન્સ વગરના ચાલકો સામે પણ સપાટો
પોલીસે આ મેગા ડ્રાઈવ દરમિયાન માત્ર મોટી ગાડીઓ જ નહીં, પરંતુ હેલ્મેટ વગર અને ડ્રાઈવિંગ લાઈસન્સ વગર જોખમી રીતે ટૂ-વ્હીલર ચલાવતા વાહનચાલકોને પણ પકડ્યા હતા. અલગ-અલગ ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે કુલ રૂપિયા 36,000 નો રોકડો દંડ ફટકારી વસૂલાત કરી છે. ટ્રાફિક પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને અકસ્માતો રોકવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: હવે ટ્રાફિકની ફરિયાદ ક્યાં કરશો? અમદાવાદ ટ્રાફિક પોલીસનું X (ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ
આ પણ વાંચો: T20 મેચને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું, મોટેરા સ્ટેડિયમ પાસેના આ મુખ્ય માર્ગો રહેશે બંધ
આ પણ વાંચો: અમદાવાદમાં ST અને લક્ઝરી બસો બંધ કરવાનું આયોજન, મંત્રી દર્શના વાઘેલાનું મોટું નિવેદન
