Ahmedabad Traffic Police Notification T20 Match: અમદાવાદના આંગણે આવતીકાલે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય T20 મેચ રમાવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી આ રોમાંચક મેચને નિહાળવા માટે હજારોની સંખ્યામાં દર્શકો ઉમટી પડવાની શક્યતા છે. દર્શકોના ભારે ધસારાને પહોંચી વળવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી કેટલાક માર્ગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કયા રસ્તાઓ રહેશે બંધ?
ટ્રાફિક વિભાગના જાહેરનામા અનુસાર, સ્ટેડિયમમાં યોજાનારી મેચના દિવસે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે કેટલાક માર્ગો સામાન્ય વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત જનપથ ટી પોઈન્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો માર્ગ તેમજ કૃપા રેસીડેન્સી ટી પોઈન્ટથી મોટેરા ગામ ત્રણ રસ્તા સુધીનો માર્ગ વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે. આ ટ્રાફિક પ્રતિબંધ મેચ શરૂ થવાના સમયથી લઈને મેચ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે, જેથી મેચ જોવા આવતા પ્રેક્ષકોને કોઈ અગવડ ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે.

T20 Match દર્શકો અને વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ
સ્ટેડિયમ તરફ જતા મુખ્ય માર્ગો બંધ હોવાથી વાહનચાલકો નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે: 1. તપોવન સર્કલથી ઓનએનજીસી સર્કલ થઈ વિઝત ટી પોઈન્ટ તરફનો રસ્તો અવરજવર માટે ખુલ્લો રહેશે. 2. જનપથ ટી પોઈન્ટથી વિઝતથી મોટેરા ગામના અંદરના માર્ગોનો ઉપયોગ કરી શકાશે.
ઈમરજન્સી સેવાઓને છૂટછાટ
પોલીસના જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય સરકારી ઈમરજન્સી સેવાઓ માટેના વાહનોને આ પ્રતિબંધિત માર્ગો પરથી પસાર થવાની છૂટ રહેશે. સામાન્ય નાગરિકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 મે રમાશે મુંબઈ-પંજાબ વચ્ચે IPL
આ પણ વાંચો: બોલ બચ્ચનોની ધમકી, અમે મોદી સ્ટેડિયમ ઉડાવીશું : પાકિસ્તાનના નામથી GCAને ઈ-મેઇલ મળ્યો
આ પણ વાંચો: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આ 2 તારીખે યોજાશે IPL મેચ, મેટ્રો ટ્રેનના સમયમાં મોટા ફેરફાર
