Ambalal Patel Rain Forecast 2026: ગુજરાતમાં શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે, પરંતુ આ વિદાય વેળાએ કુદરતનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદી ઝાપટાંએ જનજીવન પ્રભાવિત કર્યું છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક માટે અત્યંત ગંભીર આગાહી કરીને ખેડૂતો અને નાગરિકોને સાવધ કર્યા છે.

કેમ બદલાયું વાતાવરણ?
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાંથી આવતા ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સર્જાયું છે. જેના કારણે ફેબ્રુઆરીના અંતમાં પણ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધવાથી વાદળછાયું વાતાવરણ હજુ પણ યથાવત રહેશે.
આ વિસ્તારોમાં ‘માવઠા’નું એલર્ટ: Ambalal Patel
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાનનો આ પલટો વધુ ઘાતક સાબિત થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે, કારણ કે રાજ્યના અંદાજે 17 જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિત રાજકોટના ગ્રામ્ય વિસ્તારો અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના મુખ્ય શહેરો એવા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત અને નવસારીમાં શનિવાર સુધી વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે.

તાપમાનમાં આવશે ઘટાડો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાત્રિના તાપમાનમાં પણ આગામી ત્રણ દિવસ ઘટાડો નોંધાશે. 28 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળશે.
ખેડૂતો માટે ચિંતાના સમાચાર
અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ પલટો માત્ર ફેબ્રુઆરી પૂરતો મર્યાદિત નથી. 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા હોવાથી ખેતીના પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા સલાહ અપાઈ છે. આટલું જ નહીં, 15 માર્ચ પછી પણ ફરી એકવાર મોટો હવામાન પલટો આવી શકે છે, જે ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી
