Ahmedabad News: ઉત્તર ગુજરાતમાં (North Gujarat rain) ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લા અને તેના મોટાભાગના તાલુકાઓને વરસાદે પાણીથી તરબતર કરી દીધા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં જ વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો છે. વિજયનગરમાં સવારથી વરસાદ વરસ્યો છે. વરસાદ વરસવાના લીધે પાકને નુકસાન થવાનો ડર છે. તેના લીધે ખેડૂતોમાં નિરાશા છે
વિજયનગર તાલુકામાં એકાએક હવામાનમાં પલ્ટો આવતા વહેલી સવારથી વરસાદ પડવા માંડ્યો હતો. નવરાત્રિ પછી પણ વરસાદ પડતા મકાઈ, અડદ, સોયાબીન સહિતના ઊભા પાકને નુકસાનનો ડર છે. આના લીધે ખેડૂતોમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે. તેઓનું કહેવું છે કે આ રીતે જો વરસાદ વધારે પડ્યો તો તેમનો ઊભો પાક નષ્ટ થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
સાબરકાંઠાના ચારેય તાલુકાના વાતાવરણમાં સવારથી જ પલ્ટો આવ્યો હતો. વિયનગરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઇડર, વડાલી અને તલોદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હિંમતનગર ગ્રામ્યમાં રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પોશીનામાં 3 મિમી વરસાદ પડ્યો હતો.
બનાસકાંઠાના કાંકરેજમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. ખારિયા, થરા, ટોટાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સાંજના સમયે અચાનક ભારે વરસાદનું આગમન થયું છે. ખેડૂતોને પાક.માં ભારે નુકસાન જવાની ભીતિ છે. કપાસ એરંડા સહિત જેવા પાકોને નુકસાનની ભીતિ છે. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારના સઢા અને ઢુંઢર પંથકમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો. આમ હિંમતનગરના ગ્રામીણ વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તેની સાથે આગામી દિવસોમાં પણ ત્યાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.
આ ઉપરાંત બનાસકાંઠામાં અમીરગઢની કાલેડી નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવા નીર આવ્યા છે. વરસાદના લીધે નદી બે કાંઠે વહેતી થઈ છે. અમીરગઢ નજીક રાજસ્થાનમાં ભારેવરસાદ પડ્યોછે. રાબારિયા, ડાભેલા, ગઢડા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોને ફાયદો થશે.
પાટણના હારીજ, ચાણસ્મા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બપોર પછી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. બોરતવાડા, જશોમાવ સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વરસતા વરસાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ પડવાના લીધે ઠેર-ઠેર પાણી ભરાયા છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોના ખેડૂતોને પણ તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ જાગી છે. તેઓનું માનવું છે કે જો વરસાદ બંધ ન થયો તો તેમનો પાક નિષ્ફળ જઈ શકે છે.
આ પણ વાંચો: રાજ્યમાં આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
આ પણ વાંચો: આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતને વરસાદથી રહેવું પડશે સાવધાન!
આ પણ વાંચો: રાજ્યમાં વાવાઝોડાની અસર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો ત્રીજો રાઉન્ડ
