up news/ વાનરે 3 મહિનાની બાળકીને પોતાનું બચ્ચું સમજી 2 કલાક પકડી રાખી લાડ કર્યા

યુપીના Muzaffarnagarમાં વાંદરીએ 3 મહિનાની બાળકીને પોતાનું બચ્ચું સમજી 2 કલાક પકડી રાખી. એનિમલ રેસ્ક્યુઅરે મોબાઈલ વીડિયો બતાવી બાળકીને કેવી રીતે છોડાવી, જાણો વિગતે.

India NATIONAL Trending
Monkey holding baby Muzaffarnagar

Monkey holding baby Muzaffarnagar: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક એવી ઘટના બની છે જેણે સૌને સ્તબ્ધ કરી દીધા છે. એક માદા વાંદરીએ 3 મહિનાની માસૂમ બાળકીને પોતાનું બચ્ચું સમજીને સતત બે કલાક સુધી બંધક બનાવી રાખી હતી. માતા ચીસો પાડતી રહી અને પાડોશીઓએ લાકડીઓ પછાડી, પણ વાંદરીએ બાળકીને છોડી નહીં. અંતે એક રેસ્ક્યુઅરે અનોખી યુક્તિ અજમાવી બાળકીને હેમખેમ બચાવી લીધી હતી.

Muzaffarnagar: ભૂલથી રૂમમાં ઘૂસી અને બાળકીને પકડી લીધી

ઘટના જિલ્લા મુખ્યાલયથી 15 કિમી દૂર ચરથાવલ વિસ્તારની છે. તહસીન નામના શ્રમિકની પત્ની ગુલિસ્તાએ બપોરે તેની 3 મહિનાની પુત્રી કલસુમને દૂધ પીવડાવ્યા બાદ પલંગ પર સુવડાવી હતી. પોતે બહાર ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક છત પરથી એક માદા વાંદરી રૂમમાં ઘૂસી ગઈ. જ્યારે માતા અંદર પહોંચી ત્યારે દ્રશ્ય જોઈને તે થીજી ગઈ; વાંદરી બાળકીની બાજુમાં બેસીને તેને લાડ કરી રહી હતી.

Monkey holding baby Muzaffarnagar

રેસ્ક્યુઅરની ‘મોબાઇલ ટ્રીક’ કામ કરી ગઈ

જેમ જેમ લોકોએ વાંદરીને ભગાડવાનો પ્રયાસ કર્યો તેમ તે વધુ આક્રમક બની અને કરડવા દોડી હતી. અંતે એનિમલ રેસ્ક્યુઅર સન્ની ચોપરાને બોલાવવામાં આવ્યા, જેમણે વાંદરીનું ધ્યાન ભટકાવવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો હતો. સન્નીએ પોતાના મોબાઈલમાં વાંદરાના બચ્ચાઓના વાઇલ્ડ લાઇફ વીડિયો ચાલુ કર્યા અને જેવી વાંદરી મોબાઈલમાં વીડિયો જોવામાં મશગૂલ થઈ, સન્નીએ તરત જ તક ઝડપીને બાળકીને તેના પંજામાંથી સુરક્ષિત રીતે ખેંચી લીધી હતી. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં વાંદરીએ બાળકીને એક પણ ઈજા પહોંચાડી ન હતી.

પુત્રવિયોગમાં પાગલ વાંદરીની કરુણ કહાની

રેસ્ક્યુઅર સન્ની ચોપરાએ જણાવ્યું કે, આ એક માદા વાંદરી હતી જેના બચ્ચાનું 6 દિવસ પહેલા મોત થયું હતું. પોતાના બચ્ચાને ગુમાવવાના શોકમાં તે એટલી પાગલ હતી કે 3 મહિનાની બાળકીને જોતા જ તેને પોતાનું સંતાન સમજી બેઠી હતી. તેને ડર હતો કે લોકો તેને તેના બચ્ચાથી અલગ કરી રહ્યા છે, તેથી તે આક્રમક બનતી હતી.

હાલમાં બાળકી કલસુમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેના પરિવારના ખોળામાં છે. આ અજીબોગરીબ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


આ પણ વાંચો: ઉત્તર ભારતમાં હવામાન બદલાશે, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના 

આ પણ વાંચો: દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ, હિમાચલમાં હિમપ્રપાત, ઘણા રસ્તાઓ બંધ