Gujarat News : વેરાવળ પાલિકાએ મકાન પાડી નાખવાની નોટિસ આપતા 42 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તંત્રની નોટિસ મળતા મહિલા તણાવમાં હતી અને ચિંતામાં આપઘાત કરી લીધો હોવાનો પરિવારનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં જ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું કે આ આપઘાત નહીં પણ સિસ્ટમે કરેલું મર્ડર છે.વેરાવળ સરકારી હોસ્પિટલ નજીક મફતીયાપરા વિસ્તારમાં રહેતા માયાબેન રામપદ સરકાર (ઉં.વ.42) નામની મહિલાએ શનિવારે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, વેરાવળમાં સિવિલ હોસ્પિટલ નજીક ટી.પી.સ્કીમ 2 અંતીમખંડ 107 વાળી સરકારી જમીનમાં કાચા મકાનોના અનઅધિકૃત દબાણ થયેલા હોય તેને દૂર કરવા ત્રણેક દિવસ પહેલાં પાલીકા તંત્ર દ્વારા અંદાજે 70 લોકોને દબાણો દૂર કરવા નોટિસો પાઠવવામાં આવી હતી. જેમાં 20/9/2024 સુધીમાં મકાન ખાલી કરવાની વાત જણાવી હતી. જો આમ નહિ થાય તો તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેના પગલે ડીપ્રેશનમાં આવી ગયેલા મહિલાએ શનિવારે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. આજે સવારે રવિવારે તેમના બેન ઘરે આવતાં સમગ્ર ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક તેની નાની બહેન સાથે મફતીયાપરા વિસ્તારમાં છાપરાવાળા મકાનમાં રહેતા હતા. ઘટનાને લઈ તાત્કાલિક 108 મારફતે મહિલાને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે આ અંગે મૃતક મહિલાની બેન વનિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ત્રણેક દિવસ પહેલાં મકાન પાડી દેવા માટે મળેલી નોટિસથી માયાબેન ડીપ્રેશનમાં આવી ગયા હતા. ગતરાત્રિના અમો અમારા સંબંધીને ત્યાં ગયેલા તે સમયે તેઓ ઘરમાં એકલા હોવાથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેની અમો આજે સવારે ઘરે આવ્યા ત્યારે, ડેલી ખખડાવવા છતાં ખોલતા ન હોય અમે બારીમાંથી જોતાં માયાબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા. જેથી તુરંત પોલીસ અને 108ને જાણ કરી હતી. મારી બહેને તંત્રએ પાઠવેલી નોટિસથી તણાવમાં આવી જઈ આપઘાત જેવું પગલું ભર્યું છે. આ ઘટના માટે નોટિસ આપનાર જવાબદાર છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે દસ લાખ, પંદર લાખમાં મકાન આવી જાય છે. તમે 10થી 15 મકાન લઈ શકશો પણ અમે એવું એક મકાન નથી લઈ શકતા, એના માટે અમે આપઘાત કરીએ છીએ. વિચાર કરો અમારી જરૂરિયાતોનો.
મારી બેને કાલે રાતના ફાંસી ખાધી કેમ કે, અમારી પાસે એટલી મૂડી નહોતી કે અમે રોકાણ કરી શકીએ, ક્યાંય મકાન લઈ શકીએ અથવા ભાડે લઈ શકીએ. એટલે ફાંસો ખાધો છે. જ્યારે કે દિગ્વિજય જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકી હતી કે હું નાના માણસોનો કાંકરો નહીં હલવા દઉં અને એ પ્રમાણે જ થયું. કાંકરો ન હલાવ્યો માનસિક સંતુલન હલાવી દીધું અને માણસે આપઘાત કર્યો. આજે મારી બેન ગયા આમાંથી બીજું કોઈ જાશે ત્યારે ?આ ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગરીબ માણસોના મકાનો ડીમોલેશન કરવાની નીતિને લઈ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, આ મહિલાનું મૃત્યુ નથી થયું, આ મર્ડર થયું છે. આ મર્ડર તંત્રએ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં નાના વર્ગના લોકોના ઘરો તોડવાની કામગીરી તંત્ર કરી રહ્યું છે. ત્યારે આવી નીતિથી કામગીરી ચાલુ રહેશે તો હજુ અનેક લોકો આપઘાત જેવા પગલાં ભરશે તો તેની જવાબદારી તંત્રની રહેશે.
આ પણ વાંચો: જુનાગઢમાં સોનાના દાગીનાની લૂંટનો મામલો, ફરિયાદી જ નીકળ્યો આરોપી
આ પણ વાંચો:જુનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો દાખલ
આ પણ વાંચો: જુનાગઢમાં તારાજી સર્જાતા લોકોએ તંત્રને આપ્યો દોષ
