Myntra RBI Compounding Order: દેશની અગ્રણી ઈ-કોમર્સ ફેશન પ્લેટફોર્મ મિંત્રા (Myntra Designs Private Limited) માટે બિઝનેસ જગતમાંથી એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. વિદેશી રોકાણના નિયમોના ઉલ્લંઘન બદલ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસનો સામનો કરી રહેલી માયન્ટ્રા કંપનીને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોટી રાહત આપી છે. આરબીઆઈએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના ઉલ્લંઘન સાથે જોડાયેલા એક જૂના મામલામાં મોટો નિર્ણય સંભળાવીને તપાસ સત્તાવાર રીતે બંધ કરી દીધી છે.
FEMA નિયમોના ઉલ્લંઘન બદલ ચાલી રહી હતી તપાસ
મળતી વિગતો અનુસાર, 20 એપ્રિલ ૨૦૨૬ ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999ની કલમ 15 હેઠળ મિંત્રા ડિઝાઈન્સ પ્રાઈવેટ લિમિટેડના કેસમાં એક કમ્પાઉન્ડિંગ ઓર્ડર (સમાધાન આદેશ) જાહેર કરવામાં આવ્યો છે. આ અગાઉ, ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મળેલી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કંપની વિરૂદ્ધ ફેમા નિયમોના સંભવિત ઉલ્લંઘન બદલ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના કારણે કંપનીના મેનેજમેન્ટ પર કાનૂની સંકટ મંડાણું હતું.
તપાસ દરમિયાન કંપની પર કયા બે મુખ્ય આરોપો હતા?
ED અને વહીવટી તંત્રની તપાસ દરમિયાન માયન્ટ્રા કંપની પર મુખ્યત્વે બે ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં પ્રથમ આરોપ મુજબ ફોરેન સિક્યુરિટી નિયમો હેઠળ કંપનીએ પોતાનો આવશ્યક ‘એન્યુઅલ પરફોર્મન્સ રિપોર્ટ’ (APR) સમયસર રજૂ કર્યો ન હતો અને આ આખો મામલો અંદાજે ₹42.85 કરોડની વિદેશી રોકાણ પ્રતિબદ્ધતા (Foreign Investment Commitment) સાથે જોડાયેલો હતો. જ્યારે બીજા આરોપ અનુસાર, નિયમ મુજબ APR રજૂ કર્યા વિના જ ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (ODI) મારફતે નાણાકીય લેવડદેવડ કરવામાં આવી હતી, જેને ફેમા નિયમોનું સીધું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું અને આ મામલો આશરે ₹3.03 કરોડની રકમ સાથે સંબંધિત હતો.
માત્ર ₹2.88 લાખ ચૂકવીને કેસ થયો ખતમ
કંપનીએ કાનૂની ગૂંચવણોમાંથી બચવા માટે ફેમાની કલમ 15 હેઠળ આરબીઆઈ (RBI) સમક્ષ કમ્પાઉન્ડિંગ (ભૂલ સ્વીકારી સમાધાન કરવા) માટે અરજી કરી હતી. આ અંગે આરબીઆઈએ તપાસ એજન્સી ED પાસે તેનો સત્તાવાર અભિપ્રાય અને વાંધા પત્ર માંગ્યો હતો.
આ કેસમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) એટલે કે કોઈ વાંધો ન હોવાનો ગ્રીન સિગ્નલ મળ્યા બાદ રિઝર્વ બેંકે અંતિમ ઓર્ડર પાસ કર્યો હતો. આરબીઆઈએ કંપનીની ભૂલો સુધારવાની અરજી સ્વીકારીને બંને ઉલ્લંઘનોના સમાધાન પેટે મિંત્રા કંપનીને કુલ ₹2.88 લાખની નજીવી રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો. કંપનીએ આ દંડની રકમ ભરી દેતાની સાથે જ તેની સામે ચાલી રહેલી વર્ષો જૂની FEMA તપાસનો હવે કાયદેસર અને સત્તાવાર રીતે સુખદ અંત આવી ગયો છે.
