Rajkot News/ આજી નદીના પટમાં ધડ વગરનું માથું કોનું હતું? 8 વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો સૌથી મોટો મિસ્ટ્રી કેસ

Rajkot Aji River Murder Case Solved: રાજકોટમાં 8 વર્ષ પહેલાં આજી નદીના પટમાંથી મળેલા બાળકના ધડ વગરના માથાનો ભેદ ઉકેલાયો છે. બંગાળી ઠેકેદારે અત્યાચાર ગુજારી બાળકની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.

Rajkot Top Stories Gujarat
Rajkot Aji River Murder Case Solved

Rajkot Aji River Murder Case Solved: રાજકોટ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને વર્ષો જૂના એક અત્યંત ચકચારી અને કાળજું કંપાવી દેનારા મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં આખરે મોટી સફળતા મળી છે. આજથી 8 વર્ષ પહેલાં રાજકોટની આજી નદીના પટમાંથી એક માસૂમ બાળકનું ધડ વગરનું માત્ર માથું મળી આવ્યું હતું. વર્ષો સુધી વણઉકેલાયેલા રહેલા આ મિસ્ટ્રી કેસનો હવે અંત આવ્યો છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પશ્ચિમ બંગાળમાંથી બાળ મજૂરી માટે લવાયેલા એક માસૂમ બાળક પર ઠેકેદારે અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે તેની ઘાતકી હત્યા કરી શરીરના ટુકડા કરી નાખ્યા હતા.

Rajkot : કોનું હતું એ કંપાવી દેનારૂં માથું?

વાત જાણે એમ છે કે, 8 વર્ષ પૂર્વે 18 ડિસેમ્બર, 2018ના રોજ આજી નદીના પટમાંથી એક બાળકનું ધડથી અલગ કરાયેલું માથું મળી આવતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ અને ફોરેન્સિક (FSL) ની ટીમો દોડતી થઈ હતી. જામનગર એફએસએલ દ્વારા આ માથાનું રી-પોસ્ટમોર્ટમ પણ કરાવાયું હતું, પરંતુ લાંબા સમય સુધી આ બાળક કોણ છે અને તેની હત્યા કોણે કરી તેનું કોઈ જ કનેક્શન મળી શક્યું નહોતું. પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર બની ગયો હતો.

બંગાળી ઠેકેદારનું પાપ છતું થયું

રાજકોટ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાંથી નાની ઉંમરના બાળકોને રાજકોટ લાવીને તેમની પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. આ દરમિયાન કામ ન કરવા બદલ કે અન્ય કોઈ કારણોસર એક બંગાળી ઠેકેદારે માસૂમ બાળક પર અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો, જેના કારણે બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.

પોતાનું આ પાપ છુપાવવા અને કાયદાની પકડમાંથી બચવા માટે નરાધમ ઠેકેદારે બાળકના મૃતદેહના ક્રૂરતાપૂર્વક ટુકડા કરી નાખ્યા હતા. તેણે બાળકનું ધડ અને માથું અલગ-અલગ કરીને પુરાવાનો નાશ કરવાના ઈરાદે આજી નદીમાં વહાવી દીધા હતા. જેમાંથી માત્ર માથું 18 ડિસેમ્બર, 2018ના દિવસે પોલીસને હાથ લાગ્યું હતું.

બંગાળના એક પરિવારની ટકોરે ખોલ્યો 8 વર્ષ જૂનો ભેદ

આ રહસ્યમય કેસનો ભેદ ખોલવામાં બંગાળના એક મજૂર પરિવારની જુબાની મહત્વની સાબિત થઈ. તાજેતરમાં રાજકોટ પોલીસ દ્વારા બંગાળના બાળ મજૂરોને મુક્ત કરાવીને વતન મોકલવાની એક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે મુક્ત કરાવેલા 19 બાળકોમાં પોતાનું સંતાન ન દેખાતા એક પરિવારે જણાવ્યું કે, “અમારા બાળકને 8 વર્ષ પહેલાં એક ઠેકેદાર અહીં લાવ્યો હતો, પરંતુ તે આ બાળકોમાં નથી.”

આ કડી મળતા જ પોલીસે જેલના સળિયા પાછળ બંધ ઠેકેદારની કડક પૂછપરછ શરૂ કરી હતી. પોલીસના થર્ડ ડિગ્રી રીમાન્ડ અને આકરી પૂછપરછ સામે આખરે ઠેકેદારે 8 વર્ષ પહેલાં માસૂમ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.

કોલકાતાની જેલમાંથી આરોપીનો કબ્જો લેવાશે

રાજકોટ શહેર પોલીસ હવે આ ચકચારી હત્યા કેસમાં કોલકાતાની જેલમાં બંધ મુખ્ય આરોપી ઠેકેદાર અજીત મૌલા ઉર્ફે આજમત મૌલાની ટ્રાન્સફર વોરંટના આધારે વિધિવત ધરપકડ કરીને રાજકોટ લાવશે. હાલમાં બાળકના પરિવારના લોહીના નમૂના મેળવીને ડીએનએ (DNA) મેચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ સત્તાવાર રીતે આરોપી વિરૂદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી કાયદાકીય સકંજો વધુ મજબૂત કરશે.


આ પણ વાંચો: રાજકોટમાં મોટી દુર્ઘટના ટળી! ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

આ પણ વાંચો: રાજકોટના કિસાનપરા ચોકમાં ગાડીમાં લાગી ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: રાજકોટમાં રહેણાક મકાનમાં આગ દુર્ઘટનામાં મહિલાનું થયું મોત