ભરૂચ/ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રીએ યોજેલી કલેકટરઓની બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટર શાહે રજૂ કર્યું પ્રેઝન્ટેશન

નર્મદા જિલ્લાની પહેલ હવે અંબાજી, પાવાગઢ, ડાકોર, સોમનાથ, દ્વારકા, ગીરનાર, શામળાજી, પાલીતાણામાં પણ અમલી બનવવા લેવાઈ નોંધ

Gujarat

નિરાધાર અકિંચનોને નક્કર આધાર આપવા અને તેમના જીવનને સુવિધા અને ઉત્કર્ષના માર્ગે લઈ જવા, સંવેદનાસભર જિલ્લા કલેકટર ડી.એ.શાહની આગવી પહેલ અને વ્યાપક સંકલન આધારિત નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લાએ ઉપર આભ અને નીચે ધરતીની દયનીય હાલતમાં જીવતા લોકોને સમાજ જીવનમાં સ્થાપિત કરવા “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” શરૂ કર્યો છે.

સરકારી યોજનાઓના લાભો અને સામાજિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓની સહ ભાગીદારીથી આ પ્રોજેક્ટ હેઠળ સાવ અસહાય લોકોના પુર્નસ્થાપનનું એટલું ઉમદા કામ થયું છે કે રાજ્યના ગરીબો માટે હમદર્દ જેવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટમાં ઊંડો રસ લીધો છે. હવે નર્મદા જિલ્લાના પ્રભારી અને પ્રવાસન તથા યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ રાજ્યના મુખ્ય 8 યાત્રાધામો ખાતે આ પ્રોજેક્ટના અમલની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશ મોદીએ બુધવારે તેમની ખેડા જિલ્લાની મુલાકાત દરમિયાન વિશ્વ વિખ્યાત યાત્રાધામ ડાકોર મંદિર ખાતે રાજા રણછોડરાયજીની પૂજા-અર્ચના-દર્શન કર્યા હતા. જે બાદ ઠાસરા તાલુકા મથકે પ્રાંત કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી યાત્રાધામ સાથે સંકળાયેલા રાજ્યના 8 જેટલા જિલ્લા કલેકટરો, સંબંધિત જિલ્લાના દેવસ્થાનો અને મુખ્ય યાત્રાધામોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી.

વિવિધ યાત્રાધામના દર્શનાર્થી યાત્રીઓ માટેની જરૂરી સુવિધા વિકસાવવા અને આનુષંગિક અન્ય વ્યવસ્થાઓની ઉપલબ્ધિ સંદર્ભે યોજેલી સમીક્ષા બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ ધ્વારા રાજપીપલામાં PPP ધોરણે અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” નું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન ધ્વારા નિદર્શન કરવાની સાથે પ્રોજેક્ટની વિસ્તૃત રૂપરેખા આપી હતી. ઠાસરા ખાતેની બેઠકમાં TCGL ના મેનેજીંગ ડિરેક્ટર જેનું દેવન સહિત જિલ્લા પ્રસાશનના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બનાસકાંઠા, ગીર સોમનાથ, દેવભૂમિ-દ્વારકા, ખેડા-નડીયાદ, જુનાગઢ, ભાવનગર, અરવલ્લી અને પંચમહાલ જિલ્લાના કલેકટરો સહિતના સંબંધિત અન્ય અમલીકરણ અધિકારીઓ સાથે અનુક્રમે આરાસુરી અંબાજી માતા મંદિર, ગીરનાર મંદિર, સોમનાથ મંદિર, પાલીતાણા મંદિર, દ્વારકા મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર અને પાવાગઢ મંદિર ખાતેના યાત્રાધામો ખાતે નર્મદા જિલ્લામાં અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના પ્રાથમિક અમલીકરણ સંદર્ભે જરૂરી ચર્ચા-વિચારણા માટે અધ્યક્ષ સ્થાનેથી મંત્રી પૂર્ણેશ મોદીએ આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

અને “નોંધારાનો આધાર” મોડેલ પ્રોજેક્ટના સુચારૂં અમલ થકી ઉક્ત યાત્રાધામો પરિસર વિસ્તારના જરૂરીયાતમંદ લાભાર્થીઓને આવરી લઇ તેમનું પુનર્વસન થાય તે દિશામાં કટિબધ્ધ થવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્વારા રાજપીપલા ખાતેથી “જેનું કોઇ નહી તેની સરકાર” ની ઉદાત્ત ભાવનાને સાકાર કરતાં “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના ખુબ જ સંવેદનાસભર પાસાંઓ અને અભિગમો તથા અમલીકરણની કાર્ય પધ્ધતિઓનું અસરકારક નિદર્શન પાવર-પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રી સમક્ષ રજૂ કર્યું હતું, જેમાં પ્રોજેક્ટ અંગેની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ અને SOP-માર્ગદર્શિકા પુસ્તિકાનું પણ પ્રેઝન્ટેશન કરાયું હતું.

ફૂટપાથ પર રઝળપાટ કરી જીવન ગુજારતા નીચે ધરતી અને ઉપર આભની વિકટ પરિસ્થિતિમાંથી જરૂરીયામંદોને ઉગારીને તેમના પુનર્વસન સાથે આત્મનિર્ભર બનાવતા પ્રોજેક્ટની જોગવાઇઓ રજૂ કરાઇ હતી. માહિતી આપતા જિલ્લા કલેકટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, જિલ્લામાં આજદિન સુધી 81 કુટુંબના 133 વ્યક્તિઓને 3 તબક્કામાં 1500 જેટલા વિવિધ લાભો આપીને 53 લાભાર્થીઓનુ સંપૂર્ણ પુનર્વસન કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સર્વે કામગીરી, અન્ન બ્રહ્મ યોજનાની મંજૂરી સાથે સેન્ટ્રલ કિચન મારફત બે ટંક ભોજન, જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓની કિટ્સ, QR કોડ સહિત વિશિષ્ટ ઓળખકાર્ડ, આરોગ્ય તપાસણી તથા સારવાર, કોવિડ રસીકરણ, દર મહિને વાળ કપાવવાની વ્યવસ્થા, દર અઠવાડિયે નાહવાની, દાઢી કરવાની વ્યવસ્થા તથા નવીન કપડા બદલાવવા જેવી પ્રથમ તબક્કાની કામગીરી.

બીજા તબક્કામાં આવક, જાતિનો દાખલો, મતદાર યાદીમાં નામ નોંધણી, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર-ઓળખકાર્ડ- બસપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ, જનધન યોજના હેઠળ બેંક એકાઉન્ટ અને રૂપે કાર્ડ, U-WIN, NDUW કાર્ડ, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓને પૂરક પોષણના લાભો. ત્રીજા તબક્કામાં વૃધ્ધ સહાય પેન્શન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ પેન્શન સહાય, લાયક બાળકોને આંગણવાડી અને શાળામાં પ્રવેશ, શૌચાલય સુવિધા, રોજગારલક્ષી તાલીમ બાદ સલાહ/મદદ, માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગાર કિટ્સ અને આવાસ સહિતના વિવિધ સરકારી યોજનાકીય લાભો પુરા પાડવામાં આવતી હોવાની જાણકારી આપી હતી.