TCS Case Update: નાસિકના TCS BPO સેન્ટરમાં ધર્માંતરણ અને સતામણીના ગંભીર આક્ષેપો બાદ હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની મુખ્ય આરોપી નિદા ખાન, જેને અત્યાર સુધી પોલીસ ‘ફરાર’ ગણાવતી હતી, તેને લઈને તેના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વકીલના દાવા મુજબ નિદા ખાન ક્યાંય ભાગી નથી, પરંતુ તે ગર્ભવતી (પ્રેગ્નન્ટ) છે અને મુંબઈમાં પોતાના પરિવાર સાથે જ છે.
વકીલનો દાવો: પોલીસ તપાસમાં સહયોગ આપવા તૈયાર
નિદા ખાનના વકીલે સ્પષ્ટ કર્યું છે કે તેમની અસીલ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરી રહી છે અને તેણે કોર્ટમાં આગોતરા જામીન (Anticipatory Bail) માટે અરજી પણ દાખલ કરી દીધી છે. વકીલના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા અને સ્વાસ્થ્યના કારણોસર તે અત્યાર સુધી શાંત હતી, પરંતુ હવે તે તપાસ એજન્સીને સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. આ ખુલાસા બાદ હવે SIT અને પોલીસની અત્યાર સુધીની થિયરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ અને આરોપો?
નાસિક TCS ઓફિસમાં હિન્દુ કર્મચારીઓ પર ધર્મ પરિવર્તન માટે દબાણ અને મહિલાઓની જાતીય સતામણીના આરોપો બાદ અત્યાર સુધી કુલ 9 FIR નોંધાઈ છે. આરોપ છે કે નિદા ખાને એક ચોક્કસ જૂથ સાથે મળીને ઓફિસમાં કર્મચારીઓ પર માનસિક દબાણ બનાવ્યું હતું અને તેમને નમાજ પઢવા તેમજ ધાર્મિક પ્રથાઓ બદલવા મજબૂર કર્યા હતા. પોલીસને આ મામલે વોટ્સએપ ગ્રુપના પુરાવા પણ મળ્યા છે.
TCSની સ્પષ્ટતા અને અત્યાર સુધીની ધરપકડ
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 કર્મચારીઓની ધરપકડ કરી છે, જેમાં ઓપરેશન મેનેજરનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, TCS કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નિદા ખાન ‘HR હેડ’ નહોતી, પરંતુ તે નાસિક યુનિટમાં ટેલીકોલર તરીકે કામ કરતી હતી.
કોર્ટના નિર્ણય પર સૌની નજર
નિદા ખાન દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવતા હવે કોર્ટના નિર્ણય પર સૌની નજર ટકેલી છે. SIT હજુ પણ આ મામલે કડક છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ કોઈ સંગઠિત રેકેટ હતું કે માત્ર થોડા લોકોનું કૃત્ય. આગામી દિવસોમાં કોર્ટના ફેંસલા બાદ આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો: નાસિક TCS માં ધર્માંતરણ અને સતામણીના આક્ષેપ, 150 કર્મચારીઓને WFH

