Naswadi News: છોટાઉદેપુરના નસવાડીમાં સરકારી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરતું બોગસ ST જાતિના દાખલાનું કૌભાંડ સામે આવ્યું છે. માત્ર ₹500માં અનુસૂચિત જનજાતિનો બોગસ દાખલો બનાવી આપવાના આક્ષેપસર રતનપુરા (ન) જૂથ ગ્રામ પંચાયતના VCE સરફરાઝ વિનોદભાઈ ભીલની ધરપકડ કરવામાં આવી છે.
સવાલ એ છે કે જો એક બોગસ દાખલો (Bogus ST Certificate) પકડાયો છે, તો આવા કેટલા દાખલા અગાઉ બની ચૂક્યા છે? સરકારી કચેરીના નામે ચાલતી આ ગેરરીતિમાં હજુ કેટલા લોકો સામેલ છે? નસવાડી તાલુકાના ખાપરિયા ગામના પ્રભુભાઈ રાઠવાએ જાતિનો દાખલો મેળવવા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. અરજી સાથે રજૂ કરાયેલા વર્ષ 2024ના જૂના જાતિના દાખલાની ચકાસણી કરતા તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

Bogus ST Certificate: નસવાડીમાં VCE સામે ફરિયાદ
દાખલો બોગસ હોવાનું સામે આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો અને નસવાડી મામલતદારે સરફરાઝ વિનોદભાઈ ભીલ તથા પ્રભુભાઈ રાઠવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ VCE સરફરાઝ ભીલની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી માત્ર ₹500માં બોગસ જાતિનો દાખલો બનાવી આપતો હોવાની કબૂલાત કરી હોવાની માહિતી સામે આવી છે. જો આ કબૂલાત સાચી છે, તો સૌથી મોટો સવાલ એ છે કે ₹500ના બદલામાં અત્યાર સુધીમાં કેટલા બોગસ ST દાખલા બનાવી આપવામાં આવ્યા હશે?
શું આ માત્ર એક વ્યક્તિનું કૌભાંડ છે કે પછી તેની પાછળ આખી સાંકળ કામ કરી રહી હતી? બોગસ દાખલા (Bogus ST Certificate)ના આધારે કોઈએ સરકારી નોકરી, શિક્ષણ કે અન્ય સરકારી લાભ મેળવ્યા છે કે કેમ? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ તપાસમાં બહાર આવશે. પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રિમાન્ડ દરમિયાન બોગસ દાખલા બનાવવાના નેટવર્ક, તેમાં સંડોવાયેલા અન્ય લોકો અને અત્યાર સુધીમાં બનાવાયેલા દાખલાઓ અંગે મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

એક તરફ સરકાર દ્વારા ST સમાજના હક અને અનામતના લાભ માટે નિયમો બનાવવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ બોગસ જાતિના દાખલા (Bogus ST Certificate) બનાવીને આ વ્યવસ્થાનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો ગંભીર છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસ માત્ર એક આરોપીની ધરપકડ સુધી સીમિત રહે છે કે પછી બોગસ ST દાખલા કૌભાંડના મૂળ સુધી પહોંચીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે છે.
@સુલેમાન ખત્રી
આ પણ વાંચો:હિંમતનગરમાં બોગસ આધાર અને સર્ટિફિકેટ બનાવતા ઓપરેટરો ઝડપાયા
આ પણ વાંચો:દેવગઢ બારિયામાં વહીવટીતંત્રની પોલંપોલ : જીવિત પત્નીનો મરણનો ખોટો દાખલો કઢાવ્યો
