બિહારના છપરા રેલવે સ્ટેશન પરથી માનવીની 16 ખોપરી અને 34 હાડપિંજર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ખોપરી સહિતની તમામ વસ્તુઓ ભૂતાન લઈ જઈ રહ્યો હતો.
રેલવે પોલીસના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ તનવીર અહમદે જણાવ્યું હતું કે પૂર્વ ચમ્પારણ્ય જિલ્લાના સંજય પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી અને ખોપરીઓ તેમજ હાડપિંજર સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. પ્રસાદની ધરપકડ ચમ્પારણ્ય જંકશન પરથી જીઆરપી ટીમે કરી હતી.
ડેપ્યુટી એસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સંજયે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આ વસ્તુઓ તે ઉતર પ્રદેશમાંથી લાવ્યો હતો. આ તમામ વસ્તુઓને લઈને પશ્ચિમ બંગાળ નજીકના જલપીગુરીથી ભૂતાન જઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભૂતાનના તાંત્રિકોને અલગ અલગ વિધી માટે ટોળકીઓ દ્વારા ખોપરીઓ અને હાડપિંજરો સહિતની વસ્તુઓ પહોંચાડવામાં આવે છે.