વૃદ્ધ માતા-પિતા એમના પુખ્ત વયના બાળક ને ભેટ રૂપે અપાયેલી પ્રોપર્ટી પાછી લઇ શકે છે. મુંબઈ હાઈકોર્ટે જણાવ્યું કે જો પુખ્ત વયના બાળક વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેવામાં નિષ્ફળ જાય છે, એમને હેરાન કરે છે, તો આવા કિસ્સામાં વૃદ્ધ માતા-પિતા પુત્રને ભેટ રૂપે આપેલી પ્રોપર્ટી પાછી લઇ શકે છે.
વરિષ્ઠ નાગરિકોની સંભાળ લેવાનો હવાલો આપતા જસ્ટિસ રણજિત મોરે અને અનુજ પ્રભુદેસાઈની ડિવિઝન બેન્ચે એક કેસ પર ચુકાદો સંભળાવ્યો હતો.
આ નિયમ મુજબ વૃદ્ધ માતા-પિતાને એકલા છોડી દેવા પણ એક ફોજદારી ગુનો છે. માતા-પિતા, સાવકા માતા-પિતા અથવા 60 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો, કે જેઓ પોતાની સાર સંભાળ નથી લઇ શકતા, તેઓ સાર સંભાળ માટેનો દાવો કરી શકે છે. પુખ્ત વયના બાળકો, પૌત્રો, પુરુષ અને સ્ત્રી બંને, જાળવણી ખર્ચ આપવા માટે જવાબદાર રહેશે.
એવા વરિષ્ઠ નાગરિકો કે જેમને બાળકો નથી, તેઓ પણ એમની સાર સંભાળ માટે એમના પુખ્ત વયના સંબંધી કે જેની પાસે એમની પ્રોપર્ટીનો કબ્જો છે, તેઓ દાવો કરી શકે છે.
માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણ અધિનિયમ, 2007માં એવી જોગવાઈઓ કરવામાં આવી છે. જે હેઠળ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોએ એમના બાળકોને ભેટમાં આપેલી પ્રોપર્ટી પાછી લઇ શકે છે.
જો કોઈ વરિષ્ઠ નાગરિકે 2007 પછી પોતાની પ્રોપર્ટી ભેટ રૂપે કોઈને એ શરત પર આપી હોય કે એમની જરૂરિયાતો પુરી કરવામાં આવશે અને પ્રોપર્ટીનો ઉપયોગકર્તા એમની જરૂરિયાતો પુરી કરવામાં નિષ્ફળ રહે છે તો જાળવણી ટ્રીબ્યુનલ પાસે સત્તા છે કે તેઓ થયેલા કરારને રદ્દ કરી શકે.