મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક વ્યક્તિ દ્વારા એક અગ્રણી ઓનલાઇન વિક્રેતા કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે મોબાઈલ ફોનનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ મોકલવામાં આવેલા પેકેટમાં કથિત રીતે ઈંટ નીકળી હતી.
હરસૂલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મનીષ કલ્યાણકરે જણાવ્યું કે હુડકો વિસ્તારના નિવાસી ગજાનન ખરાતે પોલીસને જણાવ્યું કે, તેણે 9 ઓક્ટોબરે શોપિંગ સાઈટ દ્વારા મોબાઈલ ફોન ખરીદ્યો હતો. અને એના માટે તેણે 9,134 રૂપિયા પણ ચૂકવ્યા હતા.
કલ્યાણકરે જણાવ્યું કે, એ વ્યક્તિને ગયા રવિવારે એક પેકેટ પ્રાપ્ત થયું હતું. પરંતુ જયારે તેણે આ પેકેટ ખોલ્યું, તો કથિત રીતે પેકેટમાંથી મોબાઈલના સ્થાને એક ઈંટનો ટુકડો નીકળ્યો હતો.
ખરાતે હરસુલ પોલીસ સ્ટેશનમાં ઈ-કોમર્સ કંપની વિરુદ્ધ મંગળવારે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ફ્રોડ સંબંધિત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. આગળની તપાસ ચાલુ છે.