સુરત,
દેશભરમાં હવાઈ માર્ગે મુસાફરી સરળ બનાવવા માટે મોદી સરકાર દ્વારા પણ ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ પહેલની દિશામાં સુરતની વેન્ચ્યુરા એરકનેકટ દ્વારા વધુ એક નવું સાહસ ખેડવામાં આવ્યું છે. સુરતમાં ડોમેસ્ટિક સ્તરે શિરડીને જોડતી ફલાઈટનો આરંભ થવા જઈ રહ્યો છે. આ ફ્લાઈટ માટે બુધવારે ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ.
સુરત શહેરમાં વસતા સાંઈભકતો માટે એક ખુશીની સમાચાર છે. સાંઈભકતો માત્ર ૩૦ મિનિટમાં જ સુરતથી શિરડી પહોંચી શકશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાંથી હજારોની સંખ્યામાં લોકો શિરડી જાય છે તેમને એક નવી સુવિધા મળે તેમ છે. શિરડી જવા માટે મોટાભાગે સુરતવાસીઓ ખાનગી વાહનો કે લક્ઝરી બસોનો ઉપયોગ કરે છે જેમાં ૬ કલાકથી વધુ સમય થાય છે પરંતુ હવે સુરતથી સીધી ફ્લાઇટ પણ શરૂ થવા જી રહી છે ત્યારે તેઓ માત્ર ૧ કલાકમાં જ સાઈના દરબારમાં પહોંચી શકાશે.
વેન્ચ્યુરા એરકનેક્ટના ડાયરેકટર ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા અઢી વર્ષથી ઇન્ટર સ્ટેટ સેવા સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે ત્યારે પહેલીવાર સુરત થી સાઈધામ શિરડી સુધીની નવી ફ્લાઈટ સેવા શરુ કરવા જઈ રહ્યા છે. સુરતથી હજારોની સંખ્યામાં લોકો શિરડી જાય છે ત્યારે સાઈભક્તોની ડિમાન્ડને લઇ આ સેવા શરુ કરવામાં આવી રહી છે. આ હવાઈસેવા ચાલુ થયા બાદ ઓવરનાઈટ ડ્રાઈવીંગ, એકસીડન્ટના બનાવ તેમજ સમયના બચાવને જોતા આ સેવા સુરતવાસીઓ માટે લાભદાયી નીવડશે. આ સેવાથી સાઈભક્તો માત્ર ચાર કલાકમાં જ પોતાની યાત્રા સંપન્ન કરી શકશે અને સમયની પણ બચાવત થશે.
આ સેવાના દર અંગે જણાવતા કહ્યું, આ હવાઈયાત્રાનો દર ૩૫૦૦ થી ૫૦૦૦ રૂપિયા રાખવામાં આવશે તેમજ અમને આશા છે કે આવનારા સમયમાં ૭૦ ટકા લોડ અમને મળી રહેશે તેમજ આ સેવા અઠવાડિયામાં ૬ દિવસ ચલાવવામાં આવશે.
