સતત વિવાદોમાં ઘોરાયેલા રહેતા આસારામ બાપુ સામેના યૌન શોષણ કેસનો ચુકાદો આવી ગયો છે. સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત માન્યાં છે. આ કેસમાં પાંચ આરોપીઓ હતા, જેમાં કોર્ટે આસારામ સહિત ત્રણને દોષિત માન્યા છે જ્યારે બે આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે.
એક એવો સમય હતો જયારે આસારામના દરબારમાં નેતાઓનો જમાવડો લાગતો હતો જ્યાં પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી જેવા દિગ્ગજ રાજકારણીઓ પ્રવચનો સાંભળવા માટે આવતા હતાં. આસારામના આશ્રમમાં બધીજ પાર્ટીના નેતાઓ આવતાં.
હાલના દેશના પ્રધાનમંત્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઘણીવાર આસારામના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે જતા હતા. જયારે 2008માં એક બાળકનું મોત આસારામની સ્કૂલમાં થયું ત્યારે તેમની ઉપર તાંત્રિકવિધિ અને હત્યાનો આરોપ લાગ્યો હતો તે વખતે મોદી સરકારે આસારામ પર તપાસના આદેશ આપ્યા હતા અને આસારામે નરેન્દ્ર મોદીને શ્રાપ આપતા કહ્યું હતું કે ભસ્મ થઇ જશે.

આસારામ અને ભાજપના વરિષ્ઠના નેતા એલ કે અડવાણી સાથેના સંબંધો ખાસા ચર્ચામાં રહ્યાં હતા. લાલકૃષ્ણ અડવાણી આસારામના કાર્યક્રમમાં વરુણ ગાંધી અને અડવાણી સાથે પ્રવચન સાંભળવા માટે ગયા હતા.

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આસારામના નજદીકી હોવાનું મનાય છે. આસારામના એક કાર્યક્રમમાં શિવરાજસિંહ ચૌહાણ પણ આસારામના આશીર્વાદ લેતા જોઈ શકાય છે.

રાજસ્થાનની સીએમ વસુંધરા રાજે પણ આસારામના એક કાર્યક્રમમાં તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં.

યોગગુરુ બાબા રામદેવને પણ આસારામ સાથે પ્રવચન આપતા જોઈ શકાય છે.

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પણ આસારામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિહ પણ આસારામના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા પરંતુ કાર્યક્રમાં પહોંચવા માટે મોડું થઇ જતા માફી માંગતા જોઈ શકાય છે.

આસારામના કાર્યક્રમમાં માત્ર રાજનેતાઓ જ નહોતા જતા ચીફ જસ્ટિસ પણ આસારામના ભક્ત હતા. જયારે જોધપુર કોર્ટના સામે સિક્કિમ હાઈ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સુંદર નાથ ભાર્ગવે બળાત્કારી બાબા આસારામના પગે પડીને આશીર્વાદ લીધા હતા તે સમય ખુબ જ વિવાદ થઇ ગયો હતો.

