Nepal Flood Foreign Aid DNA Testing International Help: નેપાળમાં વિનાશક પૂર બાદ લાપતા લોકોની શોધને લઈને સરકાર પર વધતા આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં નેપાળ સરકારે વિદેશી સર્ચ અને રેસ્ક્યુ ટીમોની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે સરકારે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. હવે બચાવ કામગીરી ઉપરાંત DNA ટેસ્ટિંગ અને ફોરેન્સિક તપાસ જેવા ટેકનિકલ ક્ષેત્રોમાં મર્યાદિત આંતરરાષ્ટ્રીય મદદ લેવામાં આવશે.
વિદેશી નાગરિકોના લાપતા થવાથી વધ્યું દબાણ
નેપાળમાં આવેલા ભયાનક પૂરથી મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું છે. ખાસ કરીને ચીન સાથેની સરહદ નજીકના વિસ્તારોમાં અનેક લોકો લાપતા થયા છે. તેમાં વિદેશી નાગરિકો પણ સામેલ હોવાના કારણે સંબંધિત દેશો તરફથી નેપાળ સરકાર પર પોતાના નાગરિકોની શોધ માટે વિશેષ નિષ્ણાતોની મદદ લેવાનું દબાણ વધ્યું હતું. આ સંકટ વચ્ચે ભારત સતત નેપાળને મદદ કરી રહ્યું છે. ભારતીય ટેક્નિકલ ટીમ કાઠમંડુ પહોંચી છે અને ભારતીય વાયુસેનાએ પણ રાહત અને બચાવ કામગીરીમાં ભાગ લીધો છે. ભારત તરફથી દવાઓ, ખાદ્ય સામગ્રી અને અન્ય જરૂરી વસ્તુઓ સહિત મોટી માત્રામાં રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે.
શરૂઆતમાં વિદેશી ટીમોને ના પાડી હતી
પૂર બાદ નેપાળ સરકારે શરૂઆતમાં જણાવ્યું હતું કે તેના પોતાના બચાવ કર્મચારીઓ શોધ અને રાહત કામગીરી સંભાળવા માટે સક્ષમ છે. તેથી વિદેશી સર્ચ અને રેસ્ક્યુ ટીમોને દેશમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો નહોતો. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ અને લાપતા વિદેશી નાગરિકોને ધ્યાનમાં રાખીને સરકારના વલણમાં ફેરફાર થયો છે. નેપાળ સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ હવે જ્યાં સ્થાનિક સ્તરે નિષ્ણાતોની અછત છે, ત્યાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. ખાસ કરીને DNA ટેસ્ટિંગ, મૃતદેહોની ઓળખ, ફોરેન્સિક તપાસ અને કેટલીક ટેકનિકલ બચાવ કામગીરીમાં વિદેશી નિષ્ણાતો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
લાપતા લોકોની શોધ બની સૌથી મોટી ચિંતા
ચીન-નેપાળ સરહદ નજીક આવેલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ અનેક લોકોનો કોઈ પત્તો નથી. આવી સ્થિતિમાં દરેક કલાક મહત્વપૂર્ણ બની રહ્યો છે. હવે સ્થાનિક ટીમો સાથે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટેકનિકલ મદદ જોડાતા લાપતા લોકોની ઓળખ અને શોધ કામગીરી વધુ અસરકારક બનવાની આશા છે.
આ પણ વાંચો: નેપાળ-તિબેટ પૂર વચ્ચે તળાવ ફાટવાનું જોખમ, રેસ્ક્યૂ ઓપરેશન રોકાયું,મૃત્યુઆંક 469, 977 લોકો ગુમ
આ પણ વાંચો: નેપાળની આફત વચ્ચે માનવતા શર્મસાર, મૃતદેહમાંથી દાગીના ચોરવાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: નેપાળમાં ગ્લેશિયર ફાટતાં તબાહી: 392નાં મોત, 1,500થી વધુ લોકો ગુમ; ચીનમાં પણ બીજા પૂરનું જોખમ
