ayodhya news/ અયોધ્યામાં નવો વિવાદ! રૂપિયા. 5 કરોડની 147 કિલોની રામચરિતમાનસ ગુમ હોવાનો દાવો

અયોધ્યાના રામ મંદિરને લઈને વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણે દાવો કર્યો છે કે તેમણે એપ્રિલ 2024માં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને 147 કિલો વજનની સોનાથી મઢેલી ‘રામચરિતમાનસ’ ભેટ આપી હતી, પરંતુ તેની રસીદ તેમને આપવામાં આવી નથી.

Top Stories Ayodhya News Breaking News
New controversy at the Ram Mandir

Ayodhya News: અયોધ્યાના શ્રી રામજન્મભૂમિ મંદિરને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણે દાવો કર્યો છે કે તેમના પરિવાર દ્વારા રામલલ્લાને અર્પણ કરવામાં આવેલી આશરે 147 કિલો વજનની સોનાથી મઢેલી ‘રામચરિતમાનસ’નો કોઈ પત્તો નથી. આ ભેટની અંદાજિત કિંમત રૂપિયા 4.5 થી 5 કરોડ હોવાનું જણાવવામાં આવે છે.

રામ મંદિરમાં નવો વિવાદ (New controversy at the Ram Mandir)

લક્ષ્મીનારાયણના જણાવ્યા અનુસાર તેઓ એપ્રિલ 2024માં પત્ની સરસ્વતી સાથે અયોધ્યા (Ayodhya)ગયા હતા અને તેમણે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને રૂબરૂ આ અમૂલ્ય ભેટ સોંપી હતી. તે સમયે તેમને ખાતરી આપવામાં આવી હતી કે આ પવિત્ર ગ્રંથને રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

રસીદ ન મળવાનો આક્ષેપ

પૂર્વ ગૃહ સચિવે આક્ષેપ કર્યો છે કે દાન આપ્યા બાદ તેમને તેની કોઈ સત્તાવાર રસીદ આપવામાં આવી નહોતી. તેમણે અનેક વખત ટ્રસ્ટનો સંપર્ક કર્યો અને રસીદ માટે અયોધ્યાની મુલાકાત પણ લીધી, પરંતુ આજદિન સુધી કોઈ દસ્તાવેજ મળ્યો નથી.

તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ મુદ્દે તેમણે RSSના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત સમક્ષ પણ રજૂઆત કરી હતી. તેમને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન મળ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી.

પરિવારની આસ્થા સાથે જોડાયેલી અમૂલ્ય ભેટ

લક્ષ્મીનારાયણના જણાવ્યા મુજબ આ ‘રામચરિતમાનસ’ માત્ર કિંમતી ગ્રંથ જ નહોતો, પરંતુ તેમના પરિવારની આસ્થાનું પ્રતિક હતો. કુલ 522 પાનાં ધરાવતો અને 147 કિલો વજન ધરાવતો આ ગ્રંથ સંપૂર્ણ સોનાથી મઢાયેલો હોવાનું તેમણે જણાવ્યું છે. તેમના કહેવા મુજબ તેમની સ્વર્ગસ્થ માતાએ વર્ષો સુધીની ભક્તિ અને સમર્પણથી આ વિશેષ કૃતિ તૈયાર કરાવી હતી.

ટ્રસ્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ નહીં

આ ગંભીર આક્ષેપો બાદ પણ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અથવા તેના મહાસચિવ ચંપત રાય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. તેથી આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

જો ટ્રસ્ટ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા અથવા તપાસ અંગે માહિતી સામે આવશે, તો આ મામલે વધુ સ્પષ્ટતા થઈ શકશે. હાલમાં આ મુદ્દો જાહેર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો ટ્રસ્ટના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો: અયોધ્યા બાદ હવે બદરીનાથ ધામમાં ચઢાવાને લઈને વિવાદ, તપાસ સમિતિની રચના

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર ચોરી કેસ: VHP એ પોતાને મંદિરના વહીવટથી દૂર કર્યા, જાણો શું કહ્યું?

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરમાં ચોરી કેસમાં તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર