કોરોના/ બિહારમાં કોરોના કેસ વધતા રાત્રિ કર્ફ્યુ અને શાળાઓ બંધ,કડક ગાઇડલાઇન અમલી

બિહાર સરકારે નવા નિયંત્રણો લાગુ કર્યા છે. આ અંગે મંગળવારે જારી કરાયેલા આદેશ અનુસાર શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને દુકાનો ખોલવાના સમય પણ બદલવામાં આવ્યો છે.

Top Stories India
bihar બિહારમાં કોરોના કેસ વધતા રાત્રિ કર્ફ્યુ અને શાળાઓ બંધ,કડક ગાઇડલાઇન અમલી

કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે બિહાર સરકારે નવા નિયંત્રણો લાગુ કર્યા છે. આ અંગે મંગળવારે જારી કરાયેલા આદેશ અનુસાર શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને દુકાનો ખોલવાના સમય પણ બદલવામાં આવ્યો છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.આદેશ મુજબ 1લી થી 8મી સુધીની પ્રી-સ્કૂલ અને વર્ગો બંધ રહેશે અને તે ઓનલાઈન માધ્યમથી લેવાશે. આ ઉપરાંત નવમાથી 12મા સુધીના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે લેવાશે. આ નિયંત્રણો 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીના ત્રીજા મોજાને કારણે દેશના ઘણા રાજ્યોમાં કેસ વધ્યા છે. મંગળવારે રાજ્યમાં કોરોના ચેપની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે અહીં પણ છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ -19 રોગચાળાના કેસોમાં અભૂતપૂર્વ વધારો થયો છે

નવા નિયમો અનુસાર તમામ સરકારી અને બિનસરકારી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. મુલાકાતીઓને સરકારી કચેરીઓમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તમામ દુકાનો અને સંસ્થાઓને રાત્રે 8 વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં ઈ-કોમર્સ સેવાઓને રાહત આપવામાં આવી છે.

આ સિવાય તમામ ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ રહેશે. સિનેમાઘરો, શોપિંગ મોલ, ક્લબ, સ્વિમિંગ પુલ, જીમ, ઉદ્યાનો અને બગીચા સંપૂર્ણપણે બંધ રહેશે. રેસ્ટોરન્ટને 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ અહીં તમામ કર્મચારીઓનું સંપૂર્ણ રસીકરણ કરાવવું ફરજિયાત રહેશે.

લગ્ન સમારોહમાં વધુમાં વધુ 50 લોકોને પ્રવેશ આપવામાં આવશે. ડીજે અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. લગ્નના કાર્યક્રમની પૂર્વ સૂચના ઓછામાં ઓછા ત્રણ દિવસ અગાઉ સ્થાનિક પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. અંતિમ સંસ્કારમાં વધુમાં વધુ 50 લોકો જ હાજર રહી શકશે.