Kadi News : ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી તાલુકાના એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે અગાઉની કોંગ્રેસ સરકાર મહેમાનોને સીદી સૈયદની જાળી ભેટમાં આપતી હતી, જેનો ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ નથી. તેમણે ઉમેર્યું હતું કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ભેટમાં આપવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર, કડી તાલુકાના નાની કડીમાં 72 કડવા પાટીદાર ચુંવાળ સમાજના 52મા સમૂહલગ્ન સમારોહમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્ત્વપૂર્ણ નિવેદન કર્યું હતું. તેમણે નિવેદનમાં કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે પહેલાં કોંગ્રેસની સરકાર હતી. તેઓ મહેમાનોને સીદીસૈયદની જાળી ભેટ આપતા હતા. પરંતું આપણા સનાતન ધર્મને એની જોડે કોઈ લેવાદેવા નહીં, પણ પરદેશથી કે બહારથી કોઈપણ મહેમાન આવે એટલે કોંગ્રેસ નેતાઓ સીદી સૈયદની જાળી તેમને ભેટ આપતા હતા. તેનું આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ભેટ આપવા પાછળનું કારણ સમજાવતાં કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય એકતા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ વિચાર રજૂ કર્યો હતો અને આજે આ પ્રતિમા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા માત્ર શોભા માટે નથી, પરંતુ તેમાંથી સમાજની એકતા, સંગઠન અને વિકાસની પ્રેરણા મળે છે. તેમણે નરેન્દ્ર મોદીના સૂત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ને ટાંકીને સૌને એક થઈને સમૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કડીના આ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં 27 નવયુગલોએ લગ્નગ્રંથિથી જોડાયા હતા, જેમને કરિયાવરમાં 100થી વધુ ભેટ આપવામાં આવી હતી. નીતિન પટેલ દ્વારા અપાયેલ નિવેદન વાયરલ થઈ રહ્યું છે.
આ પણ વાંચો:જામનગરના ગોરધનપર ગામમાં 10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત
આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો
આ પણ વાંચો:51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી
