Anand News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 જુલાઇ 2025 નાં રોજ આણંદના નાવલી ખાતે નવનિર્મિત NCC લીડરશીપ અકાદમીનું ઉદ્ઘાટન કરશે. આ અકાદમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બની રહેશે.ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે 1-1 અકાદમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી NCC લીડરશીપ અકાદમીનું નિર્માણ થયું છે, જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગૃપ હેડક્વાટર અંતર્ગત કરવામાં આવશે.
આ અકાદમીમાં કેડેટ્સને આધુનિક માનસિક અને શારીરિક તાલીમ માટે ખાસ સુવિધાઓ જેવી કે રોક ક્લાઈમિંગ વોલ, ફાયરિંગ રેંજ, અવરોધ માર્ગ (ઓબ્ઝટેકલ કોર્સ), ડ્રિલ ગ્રાઉન્ડ અને શિક્ષણ માટેના વર્ગખંડો બનાવવામાં આવ્યા છે.
આ અકાદમીમાં પ્રથમ ફેઝ અંતર્ગત ₹5 કરોડના ખર્ચે 200 કેડેટ્સ માટે આધુનિક નિવાસની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. બીજા ફેઝ અંતર્ગત ₹25 કરોડના ખર્ચે સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. બીજા ફેઝની કામગીરી પૂર્ણ થયા બાદ આ એકેડમીમાં 600 NCC કેડેટ્સ સામેલ થઇ શકશે. આ અકાદમી કુલ 15 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. ગુજરાતમાં NCC તાલીમને નવી ઉંચાઇએ લઇ જવા માટે આ અકાદમી મહત્પૂર્ણ બની રહેશે.
આમ, ગુજરાતના યુવાનો માટે આ એક સારી સુવિધા છે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના યુવાનોનું પર્ફોર્મન્સ વધુ સારું બનશે. ગુજરાતની ઘણી બટાલિયનના કેમ્પ અહીં જ આયોજિત થશે અને રિપબ્લિક ડે પરેડ માટેના યુવાનોની પસંદગી પણ અહીંથી થશે.
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છ LCB એ મિરઝાપુરમાંથી આધાર પ્રમાણપત્ર વિના ચોખા ભરેલા ગોદામને સીલ કર્યું
આ પણ વાંચો:કચ્છના ભચાઉમાં કેબલ ચોરીની ઘટનામાં ત્રણ ઝડપાયા, 60 કિગ્રા કોપર કેબલ સાથે બાઇક જપ્ત
