ઈમ્પેક્ટ ફી/ ગેરકાયદે બાંધકામોને ખુલ્લુ પ્રોત્સાહન

દેશભરમાં કદાચ ગુજરાત એક એવું રાજ્ય છે જેમાં 20 વર્ષના ટૂંકાગાળામાં ત્રીજી વખત ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા માટેની ઈમ્પેક્ટ-ફીની જોગવાઈ લાગુ કરવી પડે છે. વારંવાર ઈમ્પેક્ટ-ફી આવે તો લોકોને ગેરકાયદે બાંધકામો કરવાની ટેવ પડી જાય છે, એટલું જ નહીં કાયદાનું કાયદા તરીકે કોઈ મહત્વ જ રહેતુ નથી. શા માટે ગેરકાયદે બાંધકામો થાય છે, તેનું કારણ શોધી નિરાકરણ કરવાની કેમ કોઈનેય પડી નથી!

Mantavya Exclusive
illegal constructions

એસો. એડિટર, પ્રફુલ્લ ત્રિવેદી

અમદાવાદ જેવા મેગાસિટી સહીત સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, ગાંધીનગર, જામનગર જેવા 8 મહાનગરોમાં 42 ટકા, નગરપાલિકા વિસ્તારમાં 87 ટકા, ઔડા જેવી ઓથોરિટીઝની હદમાં 56 ટકા બાંધકામો એવા છે, જેમની પાસે BU-બિલ્ડીંગ યુઝ પરમિશન નથી. આ માહિતી રાજ્યના પ્રવક્તા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં ઈમ્પેક્ટ-ફીનો કાયદો પસાર કર્યાં બાદ આપીને ઉમેર્યું હતું કે આટલા મોટા પ્રમાણમાં બાંધકામો દૂર કરવાનું શક્ય નહીં હોવાથી તેને નિયમિત કરવાનો કાયદો લાવવામાં આવ્યો છે. વાત સાચી છે આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો તોડી પડાય તો ચોક્કસપણે ઉહાપોહ થાય, અમાનવિય પણ ગણાય, પરંતુ પ્રશ્ન એ છે કે આટલા વિપુલ પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો થાય છે કઈ રીતે? શું GDCR બાંધકામોના કાયદા ખામીયુક્ત અને પાળવા અત્યાંત અઘરાં, અવ્યવહારૂ છે? એમ ના હોય તો જે તે શહેરનું TDO ખાતું ગેરકાયદે બાંધકામો રોકવામાં કેમ સરિયામ નિષ્ફળ જઈ રહ્યું છે? કે પછી ભ્રષ્ટાચારના મૂળીયા એટલા ઉંડા છે કે સરકાર પણ તેને કાબુમાં લઈ શકતી નથી? આ સિવાય કોઈ કારણ હોય તો ટાઉનપ્લાનીંગ અને શહેરી વિકાસના ઉચ્ચ અધિકારીઓ માથે બરફ મુકી શાંતિથી બેસીને તેનું સંશોધન કરીને, તેના નિરાકરણના પ્રયાસો કેમ નથી કરતા? આવું નહીં થાય તો દર પાંચ કે સાત વર્ષે નામોશી ભરી ઈમ્પેક્ટ-ફી લાવવાની સરકારને ફરજ પડશે જ, પડશે જ.

ઈમ્પેક્ટ-ફી એ કાયદેસર પ્લાનપાસીંગના ખર્ચ સામે નજીવી ફી લઈને ગેરકાયદે બાંધકામને કાયદેસરતાનો દરજ્જો આપવાની એક શરમજનક જોગવાઈ છે. ગુજરાત કદાચ એક એવું રાજ્ય છે કે 20 વર્ષના ગાળામાં ત્રીજી વખત ઈમ્પેક્ટ-ફી લાવવાથી સરકારને ફરજ પડી છે, પહેલી વખત ઈમ્પેક્ટ-ફી આવી ત્યારે તે સમયની સરકાર અને ઉચ્ચ અધિકારીઓ ગુલબાંગો પોકારતા હતા કે હવે પછી એક પણ ગેરકાયદે બાંધકામ થવા દેવામાં નહીં આવે! પરંતુ ખાટલે મોટી ખોટ એ હતી કે આ ગુલબાંગો પોકારતો હતી ત્યારે પણ ગેરકાયદે બાંધકામો ચાલું જ હતા અને TDOવાળા ઈસ્ટદેવને પ્રાર્થના કરતાં હતા કે પોતાના કાર્યકાળ દરમિયાન એ વખત ઈમ્પેક્ટ-ફી આવે તો પોતાની સાત પેઢીનું સાજુ થઈ જાય!

ગેરકાયદે બાંધકામોથી અધિકારીઓ, રાજકારણીઓ અને બિલ્ડરોની તિજોરી તર થાય છે. ભ્રષ્ટાચારના વિષચક્રનું આ મહત્વનું કેન્દ્ર છે, આમ થવાથી કોઈનેય ગેરકાયદે બાંધકામો રોકવામાં રસ નથી. TDO ખાતા માટે તો આ ડબલ બેનીફીટ યોજના છે. ગેરકાયદે બાંધકામ થતું હોય ત્યારેય હપ્તો મળે અને બાદમાં ઈમ્પેક્ટ-ફીમાં ક્લીયર કરાવવા આવે ત્યારે એ જ બાંધકામોનો અરજી ક્લીયર કરવાનો ફરી હપ્તો મળે, આ બાબત નીચેથી લઈ ઉપર સુધી સૌકોઈ જાણે છે.

ઈમ્પેક્ટ-ફીની યોજના સારી એટલા માટે નથી કે ગેરકાયદે બાંધકામ કરનાઓને ઈમ્પેક્ટ-ફી તો આવશે જ ને! તેમ કહીને ગેરકાયદે બાંધકામની કુટેવ પડી જાય છે. બીજી તરફ પ્લાનપાસીંગ, બેટરમેન્ટ-ફી, BUની ઉંચી ફી ભરી કાયદેસરનું બાંધકામ કરનારને અન્યાય થાય છે. ત્રીજી તરફ કાયદાનું કાયદા તરીકે કોઈ મહત્વ જ નથી રહેતું. આમ જ ચાલવાનું હોય તો કાયદાના પુસ્તકોને ચાર રસ્તે લઈ જઈને સળગાવી દેવા જોઈએ, આવી બાબતો કાયદાના રચયિતાનું પણ ઘોર અપમાન છે.

આ પણ વાંચો: Bharat Jodo Yatra/ કોરોનાનો ખતરો જોઈને ભાજપે રદ્દ કરી પોતાની 75000 KMની યાત્રા, શું હવે રાહુલની યાત્રા પણ અટકશે?