Gujarat Local Body Election 2026/ સુરતમાં પ્રચાર દરમિયાન આક્રોશ, ‘ભાજપ ગો બેક’ના નારા

ઘટનાના પગલે મહિલાઓમાં ખાસ કરીને ભારે આક્રોશ(Outrage) જોવા મળ્યો હતો

Top Stories Gujarat Surat
ભાજપના ઉમેદવારો અને નેતાઓ પ્રચાર માટે વિસ્તારમાં પહોંચતા જ સ્થાનિકોમાં ભારે રોષ (Outrage)ફાટી નીકળ્યો હતો

Gujarat Local Body Election 2026/    સુરતના અડાજણ વિસ્તારમાં ગોરાટ ખાતે હનુમાન મંદિરને લઈને ચાલતા વિવાદે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભાજપના ઉમેદવારો અને નેતાઓ પ્રચાર માટે વિસ્તારમાં પહોંચતા જ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ‘ભાજપ ગો બેક’ના નારા સાથે લોકોએ સોસાયટીમાં પ્રવેશતા નેતાઓને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાના પગલે મહિલાઓમાં ખાસ કરીને ભારે આક્રોશ(Outrage) જોવા મળ્યો

સ્થિતિ ત્યારે વધુ બિચકાઈ જ્યારે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી બાદ ધક્કામુક્કી શરૂ થઈ. આ દરમિયાન વિરોધ કરી રહેલી એક મહિલાને ભાજપ કાર્યકર્તાએ જોરદાર ધક્કો માર્યો હોવાનો આક્ષેપ છે, જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનાના પગલે મહિલાઓમાં ખાસ કરીને ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ગોરાટ હનુમાન મંદિર ચોક પર એક તરફ ભક્તિભાવ સાથે હનુમાન ચાલીસાના પાઠ ચાલી રહ્યા હતા, જ્યારે બીજી તરફ રસ્તા પર રાજકીય ઘર્ષણ વધતું ગયું હતું. ભાજપના નેતાઓએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા તો સ્થાનિકોએ તેના જવાબમાં ‘ગો બેક’ના નારા સાથે વિરોધ વધુ ઉગ્ર બનાવ્યો હતો.

સ્થાનિક મહિલાઓએ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાઓનો દાવો છે કે કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને મારપીટ પણ કરી, જેના કારણે કેટલીક મહિલાઓને ઈજાઓ પહોંચી અને કપડાં ફાટ્યા. આક્ષેપોને કારણે વિસ્તારમાં સ્ત્રી શક્તિનો રોષ વધુ ઉંચાઈએ પહોંચી ગયો છે.

આ સમગ્ર વિવાદનું મૂળ કારણ અશાંતધારા હેઠળ બનતી નવી બિલ્ડિંગો હોવાનું જણાવાઈ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષો જૂના હનુમાન મંદિરને અડીને વિધર્મીઓને ફ્લેટ ફાળવવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી લડી રહ્યા છે, પરંતુ સત્તાધારી પક્ષે કોઈ અસરકારક પગલાં લીધા નથી.

ઘટના વધતા જ રાંદેર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાએ પોતાના પર પણ હુમલો થયાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેઓ અને તેમના કાર્યકર્તાઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક આગેવાનો અને મહિલાઓએ સ્પષ્ટ જણાવ્યું કે ભક્તિના નામે મત માગવા આવતા નેતાઓ સામે તેમનો રોષ વર્ષો જૂનો છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી સમયે જ નેતાઓ વિસ્તારની યાદ કરે છે, જ્યારે વાસ્તવિક સમસ્યાઓ અંગે કોઈ પગલાં લેવામાં આવતા નથી.

આ ઘટનાએ અડાજણ વિસ્તારમાં રાજકીય તણાવને વધુ ઘેરો બનાવી દીધો છે, જેમાં ભક્તિ અને રાજકારણ આમને-સામને આવી જતા પરિસ્થિતિ વધુ જટિલ બની છે.


આ પણ વાંચો: ગુજરાતની પ્રજા 26મીએ કોંગ્રેસને જવાબ આપશેઃ રીવાબા, કોણ છે વિજેતા 28મીએ ખબર પડશેઃ નયનાબા