Valsad News : દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે (South Gujarat Rain)જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે. વલસાડ, નવસારી અને વાપી સહિતના વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વાપીમાં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પટેલ સમાજની વાડી સહિત અનેક સ્થળોએ પાર્ક કરેલી 200થી વધુ કાર પાણીમાં ગરકાવ (Cars Submerged)થઈ ગઈ હતી.

ઉમરગામમાં માત્ર 28 કલાકમાં આશરે 43 ઇંચ વરસાદ નોંધાતા વલસાડ જિલ્લામાં છેલ્લા 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી ગયો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને વાહનવ્યવહાર પર મોટો પ્રભાવ પડ્યો છે.
ઔરંગા નદીનું જળસ્તર ઇતિહાસમાં પ્રથમ વખત 9 મીટરની સપાટી વટાવતાં આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા વહીવટી તંત્રએ મોડી રાત્રે જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
કાશ્મીર નગરમાંથી અંદાજે 60થી 70 લોકોને અને બરુડિયાવાડ વિસ્તારમાંથી 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત પરિવારોને રામજી મંદિર સહિતના રાહત કેન્દ્રોમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજી તરફ નવસારી જિલ્લામાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટી પાર કરીને 24 ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે કાવેરી નદી પણ ગાંડીતૂર બની છે. પરિણામે શહેરના લગભગ 30 ટકા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે.
ગધેવાન, હિદાયતનગર, શાંતાદેવી, ભેસ્તખડા, રંગૂનનગર, રુસ્તમવાડી, મિથિલા નગરી, રિંગ રોડ અને ગાંધીનગર સોસાયટી સહિત 15થી વધુ વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓમાં પાણી ઘૂસી ગયા છે. અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભારે વરસાદ (Heavy Rain)ની અસર વાહનવ્યવહાર પર પણ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં 300થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 200થી વધુ એસ.ટી. બસ રૂટ રદ અથવા બંધ રાખવામાં આવ્યા છે. અમદાવાદ-મુંબઈ રેલવે રૂટ પર અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અને અન્ય ટ્રેનો મોડી દોડી રહી છે.

નવસારીથી સુરત અને વાપી તરફ રોજિંદી નોકરી માટે જતાં હજારો મુસાફરો રેલવે સ્ટેશનો પર અટવાઈ ગયા હતા. વૈકલ્પિક પરિવહનની અછતને કારણે મુસાફરોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. રેલવે તંત્રએ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરીને ટિકિટ રિફંડ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરી છે.
પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર, NDRF, SDRF, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકો સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.
