Jaipur News : જયપુરમાં શુક્રવાર રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઝડપી ગતિએ આવી રહેલી ઓડી કાર (Audi Car) ડિવાઇડર સાથે અથડાયા બાદ બેકાબૂ બની ગઈ અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ગાડીઓ તથા સ્ટોલોને ટક્કર મારી. આ અકસ્માતમાં કુલ 16 લોકો ઘાયલ થયા છે.
આ ઘટના શુક્રવાર રાત્રે લગભગ 9:30 વાગ્યે પત્રકાર કોલોનીના ખરાબાસ સર્કલ પાસે બની હતી. અકસ્માતની જાણ થતાં જ મુહાના અને પત્રકાર કોલોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઓવરસ્પીડ ઓડી કાર (Audi Car) ડિવાઇડર સાથે અથડાઈ
મુહાના પોલીસ સ્ટેશનના એસએચઓ ગુરુ ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે, ઓવરસ્પીડ ઓડી કાર (Audi Car) ડિવાઇડર સાથે અથડાઈ હતી, જેના કારણે કાર કાબુ બહાર ગઈ અને લગભગ 30 મીટર સુધી રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એક ડઝનથી વધુ ગાડીઓ અને સ્ટોલોને ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન એક સ્ટોલ અને એક કાર પલટી ગઈ હતી.

અકસ્માતમાં ઘાયલ થયેલા આઠ લોકોને જયપુરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ચાર લોકોને તેમના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યારે ચાર અન્ય લોકોને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા.
પોલીસે ઓડી કાર (Audi Car) જપ્ત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં કારચાલક દારૂના નશામાં હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
