Not Set/ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે TTP સંગઠન સાથે વાતચીત મામલે ઇમરાનને લગાવી ફટકાર

બાળકો અને સૈનિકોની હત્યા કરનાર આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથેની વાતચીતને લઈને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન ચોમેર ઘેરાયા  છે

World
IMRAN પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે TTP સંગઠન સાથે વાતચીત મામલે ઇમરાનને લગાવી ફટકાર

પાકિસ્તાનના સેંકડો બાળકો અને સૈનિકોની હત્યા કરનાર આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથેની વાતચીતને લઈને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન ચોમેર ઘેરાયા  છે. હક્કાની નેટવર્કના સમર્થન સાથેની આ વાતચીત પર મોટું પગલું ભરતા સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને કોર્ટમાં બોલાવીને ઠપકો આપ્યો છે. પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કરીને 132 નિર્દોષ બાળકોની હત્યા કરનાર ટીટીપી પર કોર્ટે ઈમરાન ખાનને પૂછ્યું કે તે હત્યાકાંડના ગુનેગારો સાથે કેમ વાતચીત કરી રહ્યા છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને પૂછ્યું, ‘શું આપણે ફરીથી આતંકવાદીઓના શરણે જઈ રહ્યા છીએ?’ તેમની સામે કાર્યવાહી કરવાને બદલે તેમની સાથે વાત કરી રહ્યા છીએ. તે પણ જ્યારે આપણી પાસે વિશ્વની 6ઠ્ઠી સૌથી મોટી સેના છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બુધવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આવા અનેક સવાલોનો સામનો કરવો પડ્યો હતો. પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલમાં 16 ડિસેમ્બર, 2014ના રોજ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકવાદીઓ દ્વારા 147 લોકો પર થયેલા ભયાનક હુમલામાં સુરક્ષા નિષ્ફળતાની જવાબદારી નક્કી કરવા કોર્ટે સરકારને એક મહિનાનો સમય આપ્યો છે.

પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે ખાનને સમન્સ પાઠવ્યું હતું. બેંચમાં જસ્ટિસ કાઝી મોહમ્મદ અમીન અહમદ અને જસ્ટિસ ઈજાઝુલ અહેસાન પણ સામેલ છે. આ હુમલાની તપાસ વિશેષ પંચ દ્વારા કરવામાં આવી હતી. સ્પેશિયલ કમિશનનો રિપોર્ટ ગયા અઠવાડિયે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કમિશને કહ્યું હતું કે હુમલા માટે સુરક્ષાની નિષ્ફળતા જવાબદાર હતી. બેન્ચે ઈમરાનને આ સંદર્ભમાં લેવાયેલી કાર્યવાહી અંગે સવાલ કર્યા હતા. વડા પ્રધાનને સંબોધતા જસ્ટિસ અહેસાને કહ્યું હતું કે શાળા પરના હુમલામાં પોતાના બાળકો ગુમાવનારા માતાપિતાને સંતુષ્ટ કરવા જરૂરી છે.

બેન્ચે સુરક્ષા નિષ્ફળતા માટે જવાબદાર લોકો સામે કોઈ પગલાં લેવાને બદલે TTP સાથે મંત્રણા કરવા બદલ સરકારની પણ ટીકા કરી હતી. જસ્ટિસ અમીને વડા પ્રધાનને કહ્યું, ‘જો સરકાર આ બાળકોના હત્યારાઓ સાથે ડીડ ઑફ હાર પર હસ્તાક્ષર કરવા જઈ રહી હોય તો… શું આપણે ફરી એકવાર આત્મસમર્પણ કરવાના છીએ?’ ચીફ જસ્ટિસ અહેમદે ઈમરાનને કહ્યું, ‘તમે સત્તામાં છો. સરકાર પણ તમારી છે. શું કર્યુ તમે? તમે ગુનેગારોને વાટાઘાટના ટેબલ પર લાવ્યા. ઇમરાને તેના જવાબમાં કહ્યું હતું કે હુમલા સમયે ખૈબર-પખ્તુનખ્વામાં તેની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીનું શાસન હતું અને તે માત્ર વળતર આપી શકે છે જે તેણે પીડિતોના પરિવારોને આર્થિક સહાય આપીને કર્યું હતું.

ઇમરાને ન્યાયાધીશોને કહ્યું કે તેઓ આર્મી પબ્લિક સ્કૂલ અકસ્માત પર ઉચ્ચ સ્તરીય કમિશન બનાવી શકે છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અમે એક કમિશનની રચના કરી દીધી છે અને તેણે તેનો રિપોર્ટ પણ આપી દીધો છે. અમારા 20 ઓક્ટોબરના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સરકારે આ હત્યાકાંડ માટે જવાબદાર લોકોને શોધીને તેમની સામે પગલાં લેવા જોઈએ. ચીફ જસ્ટિસે ઈમરાન ખાનને યાદ અપાવ્યું કે 16 ડિસેમ્બર 2014ના રોજ થયેલા હત્યાકાંડને સાત વર્ષ વીતી ગયા છે.