Kadi News : શંખેશ્વરમાં રહેતા પંચાલ પરિવારે આપઘાત કરી લેતા આ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જેમાં પતિએ પત્ની અને 10 વર્ષના દિકરા સાથે કેનાલમાં પડતુ મુકીને જાવન ટુંકાવ્યું હતું. આ બનાવની વિગત મુજબ શંખેશ્વરના ફેબ્રિકેશન વ્યવસાયી ધર્મેશ પંચાલે તેમની પત્ની ઉર્મિલા અને 10 વર્ષના પુત્ર પ્રકાશ સાથે નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસને એક સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે, થાકી ગયો છું, કોઈ રસ્તો નથી દેખાતો એટલે જિંદગી ખલાસ કરું છું. આ ઘટનાથી પરિવારમાં શોક અને સમગ્ર પંથકમાં જ ચકચાર મચી જવા પામી છે.
શનિવારે (7 જૂન) મોડી રાત્રે આદુન્દ્રા નર્મદા કેનાલમાંથી ઉર્મિલાબેન (ઉ.વ.36) અને પુત્ર પ્રકાશ (ઉ.વ.10)ની લાશ મળી આવી હતી. જ્યારે આજે રવિવારે સવારે બલાસર નર્મદા કેનાલમાંથી ધર્મેશભાઈ (ઉ.વ.38)ની લાશ મળી હતી. પોલીસે ત્રણેય લાશને કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે ખસેડી છે.કડી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 50 કિલોમીટરથી વધુ નર્મદા કેનાલનો ભાગ આવેલો છે. અહીં વારંવાર આત્મહત્યાના બનાવો બને છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ધર્મેશભાઈ છેલ્લા દસ વર્ષથી શંખેશ્વરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા હતા. ધર્મેશભાઈ કોઈને કહ્યા વગર પરિવાર સાથે કડી આવ્યા હતા. કેનાલ પાસેથી તેમની ગાડી મળી આવી હતી. ગાડીમાંથી એક સુસાઈડ નોટ અને મોબાઈલ મળ્યા છે.આ બાબતે ધર્મેશ પંચાલના પિતા ખેતાભાઇ પંચાલે કહ્યું હતું કે, મારો એકનો એક બાબો ધર્મેશ અને તેની પત્ની અને તેનો બાબો છેલ્લા દસ વર્ષથી શંખેશ્વર રહેતા હતા અને ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા. એણે કારખાનું કરેલું હતું અને વ્યાજે રૂપિયા લીધેલા હશે અને તેમાં ખોટ ગઈ હશે. વ્યાજખોરો તેને ધાક-ધમકી આપતા હતા, એટલે આ પગલું ભર્યું છે અને નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી છે.
ત્રણે લોકોએ આપઘાત કરેલો છે, ચિઠ્ઠી મળેલી છે એમાં એવું લાગે છે કે, શંખેશ્વર લોકોનો ખૂબ જ ત્રાસ હતો એના હિસાબે આ અંતિમ પગલું ભર્યું છું. મારી સરકારને વિનંતી છે કે ન્યાય મળવો જોઈએ.ઉલ્લેખનીય છે કે, આ ચિઠ્ઠી ધર્મેશભાઈએ પોતાની પત્ની ઉર્મિલાને સંબોધીને લખી છે. જેના પરથી પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે, ધર્મેશભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવાનો વિચાર કરી આ ચિઠ્ઠી પોતાની પત્નીને લખી હશે. જો કે પાછળથી પત્નીને આ અંગે જાણ થઇ હોય અને તેણે પણ પુત્ર સાથે આત્મહત્યા કરવાનું મન મનાવી લીધું હોય, જે બાદ આખો પરિવાર શંખેશ્વરથી અહીં કડી આવીને કેનાલમાં કૂદી મોતને વહાલું કર્યું હોય. જો કે સાચી હકીકત તો તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.
આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી
આ પણ વાંચો:ગેરકાયદે અમેરિકા જવાના કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ
આ પણ વાંચો:કબૂતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે ગુજરાતભરમાં પોલીસના દરોડા
