Patan Collector Curfew News: ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે રામાધણી ફાર્મહાઉસ પર થયેલા હુમલા બાદ પાટણ જિલ્લામાં સ્થિતિ તંગ બની છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર પાટણ જિલ્લામાં 24 કલાક માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષકની ભલામણ બાદ તંત્રએ સાવચેતીના ભાગરૂપે આ મોટો નિર્ણય લીધો છે.
Patan : કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 (અગાઉની કલમ 144) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જિલ્લામાં કોઈપણ જાહેર સ્થળે 4 કે તેથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. આ ઉપરાંત, કોઈપણ પ્રકારની જાહેર સભા, રેલી કે વિરોધ પ્રદર્શન યોજવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ, સોશિયલ મીડિયા પર થતી અફવાઓ અને આંદોલનની ચીમકીઓને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પોલીસનો કાફલો પણ ખડેપગે કરી દેવામાં આવ્યો છે.
કેમ લેવાયો આ નિર્ણય?
ઝીલિયા ગામની ઘટના બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો કેટલાક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને યુવા ક્ષત્રિય સેના દ્વારા આંદોલન અને કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. આ આંદોલનને પગલે જિલ્લામાં શાંતિ ડહોળાય નહીં અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રશાસને અગાઉથી જ કડક વલણ અપનાવ્યું છે.
કોને મળશે છૂટછાટ?
જાહેરનામામાં કેટલીક અનિવાર્ય સ્થિતિમાં છૂટછાટની જોગવાઈ પણ રાખવામાં આવી છે. જેમાં પૂર્વ મંજૂરી સાથે સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન અને અંતિમવિધિમાં લોકો જોડાઈ શકશે. આ ઉપરાંત, ઓન-ડ્યુટી સરકારી કર્મચારીઓ અને પોલીસ જવાનોને આ નિયમ લાગુ પડશે નહીં. સાથે જ, પૂર્વ નિર્ધારિત ધાર્મિક વિધિઓ અને ધાર્મિક સ્થળો માટે પણ ચોક્કસ મર્યાદામાં છૂટ મળી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
ઉલ્લંઘન કરનારને જેલની હવા!
પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશો 23 માર્ચ 2026 ના રોજ સંપૂર્ણ દિવસ માટે અમલમાં રહેશે. પાટણવાસીઓને શાંતિ જાળવવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પાટણ ઝીલિયા ગેંગવોર! મસ્તાની ગેંગના ભાવેશ દેસાઈ સહિત 4 સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો: પાટણના મેલુસનમાં આરોગ્ય સબ સેન્ટર બંધ, દર્દીઓ રઝળી પડ્યા
આ પણ વાંચો: પાટણના સરસ્વતીમાં જૂથ અથડામણ: સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ખેલાયો હિંસક ખેલ
