Patan Taluka Panchayat Election Result: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરીના પરિણામોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ક્યાંક ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે, તો ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટા ઉલટફેર કર્યા છે. ખાસ કરીને પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા પરિવર્તન કરીને ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે.
Patan : તાલુકા પંચાયતમાં પરિવર્તન
પાટણમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં આ વખતે કોંગ્રેસનું જોરદાર પુનરાગમન જોવા મળ્યું છે, જ્યાં તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી કોંગ્રેસે 13 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી છે અને આ સાથે જ પાટણ તાલુકા પંચાયત હવે કોંગ્રેસ હસ્તક ગઈ છે. બીજી તરફ, નગરપાલિકાના પરિણામોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જેમાં 8 વોર્ડની 32 બેઠકોના પરિણામમાં ભાજપને 21, કોંગ્રેસને 8 અને અપક્ષને 3 બેઠકો મળી છે.
અમરેલીમાં AAP નો ધમાકેદાર દેખાવ
અમરેલી જિલ્લાના દામનગરમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. અહીં વોર્ડ નંબર 5 માં આમ આદમી પાર્ટી (AAP) ની આખી પેનલનો વિજય થયો છે. દામનગર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ કુલ 5 બેઠકો જીતીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.
આણંદ અને મહેસાણા: ભાજપનો વિજય રથ
પેટલાદ નગરપાલિકામાં ભાજપે 26 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, જેની સામે કોંગ્રેસ અને અપક્ષના ફાળે માત્ર 10 બેઠકો આવી છે. ઉમરેઠમાં પણ ભાજપે પોતાનો જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે અને મહેસાણાના વિજાપુરમાં 28 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની બેઠકોમાં પણ ભાજપે 14 બેઠકો અંકે કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.
શિનોર અને ગારિયાધારની સ્થિતિ
વડોદરાના શિનોર જિલ્લા પંચાયતની બે બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસને એક-એક બેઠક મળી છે, જ્યારે ગારિયાધાર તાલુકા પંચાયતમાં ભાજપે 6 બેઠકો પર જીત મેળવીને પોતાની પકડ સાબિત કરી છે.
આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા
આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યુ, કોંગ્રેસની આખી પેનલ જીતી
