National News/ ઘરનું ભાડું ભરવું મુશ્કેલ બન્યું, ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ રાજીનામું આપ્યુ

શહઝાદ પૂનાવાલા (Shehzad Poonawalla)અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને બાદમાં ભાજપમાં આવ્યા હતા

India Top Stories
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલા (Shehzad Poonawalla)એ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું (BJP Resignation)આપી દીધું છે

National News : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલા (Shehzad Poonawalla)એ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું (BJP Resignation)આપી દીધું છે. આ નિર્ણય પાછળ તેમણે ગંભીર આર્થિક અને અંગત પરિસ્થિતિઓને કારણ ગણાવી છે. રાજીનામા બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે રાજકીય પક્ષો પોતાના પ્રવક્તાઓ કે કાર્યકરોને પગાર આપતા નથી અને જીવનનિર્વાહ માટે તેમને અન્ય આવકનો રસ્તો શોધવો જરૂરી બન્યો હતો.

આર્થિક સંકડામણ વચ્ચે BJPમાંથી Exit

શહઝાદ પૂનાવાલાએ જણાવ્યું કે તેમને ઘરનું ભાડું સહિતના અંગત ખર્ચાઓ પૂરા કરવા માટે આવકની જરૂર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાના કારણે મકાનમાલિક ભાડું માફ કરતો નથી. તેમના જણાવ્યા મુજબ આર્થિક દબાણ તેમના રાજીનામાના મુખ્ય કારણોમાંનું એક રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે રાજકારણને તેમણે ક્યારેય નોકરી તરીકે જોયું નથી. તેમના માટે ભાજપ સાથેનું જોડાણ વિચારધારા અને નેતૃત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું હતું.

2024થી રાજીનામા અંગે કરી રહ્યા હતા વિચાર

પૂનાવાલાએ જણાવ્યું કે તેમનો નિર્ણય અચાનક લેવાયેલો નથી. તેઓ 2024થી જ પાર્ટી છોડવા અંગે વિચાર કરી રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિવિધ અટકળો અને કાવતરાની ચર્ચાઓને પણ ફગાવી દીધી હતી.

30 જુલાઈ, 2026ના રોજ તેમણે પ્રથમ વખત રાજીનામું આપ્યું હતું. જોકે ભાજપે તે સમયે રાજીનામું સ્વીકાર્યું નહોતું અને નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. લાંબા વિચાર બાદ તેમણે 17 ઓગસ્ટે ફરીથી રાજીનામું આપીને તેને સ્વીકારવાની વિનંતી કરી હતી.

PM મોદીના વિઝનને સમર્થન યથાવત

પાર્ટી છોડ્યા બાદ પણ પૂનાવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ (BJP)ની વિચારધારા પ્રત્યે પોતાનું સમર્થન યથાવત હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે સંગઠનથી દૂર થવું એ વિચારધારા અને નેતૃત્વથી દૂર થવા સમાન નથી.

રાજીનામા બાદ હવે તેઓ ખાનગી ક્ષેત્રમાં પ્રવેશ કરવાની દિશામાં આગળ વધશે.

કોંગ્રેસમાં વાપસી અંગે શું કહ્યું?

શહઝાદ પૂનાવાલા (Shehzad Poonawalla)અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને બાદમાં ભાજપમાં આવ્યા હતા. હવે તેમના રાજીનામા બાદ કોંગ્રેસમાં વાપસીની અટકળો શરૂ થઈ હતી. જોકે તેમણે આ સંભાવનાને નકારી કાઢી છે.

રમૂજી અંદાજમાં તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાજીનામું આપે અને ભૂતકાળની ભૂલો માટે માફી માગે, તો જ તેઓ કોંગ્રેસ (Congress)માં વાપસી અંગે વિચારશે. તેમણે હાલ ભાજપ અને વડાપ્રધાન મોદીને પોતાના માટે શ્રેષ્ઠ રાજકીય વિકલ્પ ગણાવ્યો છે.

શહઝાદ પૂનાવાલા (Shehzad Poonawalla)નું ભાજપમાંથી રાજીનામું રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે રાજીનામા પાછળ કોઈ રાજકીય કાવતરું કે વિચારધારાત્મક મતભેદ નહીં, પરંતુ મુખ્યત્વે આર્થિક અને અંગત સંજોગો જવાબદાર છે. હવે તેઓ રાજકારણથી બહાર રહીને ખાનગી ક્ષેત્રમાં પોતાની કારકિર્દી આગળ વધારશે.


આ પણ વાંચો : શહઝાદ પૂનાવાલાનો દાવો, કોંગ્રેસને રાહુલ ગાંધી નેતા તરીકે સ્વીકાર્ય નથી

આ પણ વાંચો : રાહુલ ગાંધી ગુમ થયાના પોસ્ટરથી દિલ્હીમાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં ‘માસ્ટર સ્ટ્રોક’ની તૈયારી! સચિન પાયલટને સોંપાઈ શકે છે ગુજરાતની કમાન