Buzz in Gujarat Congress:: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. છેલ્લા ઘણા સમયથી સત્તાથી દૂર રહેલી ગુજરાત કોંગ્રેસમાં ફરીથી નવા પ્રાણ ફૂંકવા માટે દિલ્હી હાઈકમાન્ડે કવાયત તેજ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
Congress: દિલ્હીમાં બેઠકોનો દોર
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ ત્યારે મળ્યા જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીને અચાનક દિલ્હી બોલાવવામાં આવ્યા. છેલ્લા બે દિવસથી દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠકો ચાલી રહી છે. આ બેઠકમાં ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારો કરવા અને ભાજપ સામે આક્રમક રીતે લડી શકે તેવા નેતાને મેદાનમાં ઉતારવા અંગે ચર્ચા થઈ છે.
સચિન પાયલટ જ કેમ?
કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને એક યુવા અને અત્યંત પ્રભાવશાળી નેતા માને છે, જેઓ રાહુલ ગાંધીના પણ ખૂબ જ વિશ્વાસુ ગણાય છે. વર્ષ 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા અપાવવામાં પાયલટની ભૂમિકા મુખ્ય રહી હતી, જેના કારણે પક્ષમાં તેમનું કદ વધ્યું છે. અગાઉ જ્યારે અશોક ગેહલોત પ્રભારી હતા ત્યારે કોંગ્રેસે 77 બેઠકો જીતીને નોંધપાત્ર દેખાવ કર્યો હતો, અને હવે કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી એકવાર પાયલટના કુશળ નેતૃત્વમાં ગુજરાતમાં એવો જ રાજકીય જાદુ કરવા અને પક્ષને મજબૂત કરવા માંગે છે.
જૂના જોગીઓને સાઇડલાઇન કરાશે!
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવવા માટે હાઈકમાન્ડે સ્પષ્ટ સૂચના આપી છે કે, ‘લંગડા ઘોડા’ સમાન નિષ્ક્રિય નેતાઓને સાઇડલાઇન કરવામાં આવશે. આ વખતે જિલ્લા અને શહેર પ્રમુખોને ટિકિટ વહેંચણીમાં વધુ સત્તા આપવામાં આવશે અને દરેક જિલ્લામાં નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવશે.
ટૂંક સમયમાં જ મુકુલ વાસનિકના સ્થાને સચિન પાયલટના નામની સત્તાવાર જાહેરાત દિલ્હીથી થઈ શકે છે. જો પાયલટ ગુજરાતમાં આવે છે, તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ વધુ રસપ્રદ બનશે તે નક્કી છે.
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્યએ કરી ભવિષ્યવાણી, કોંગ્રેસ અને ભાજપની કુંડળીમાં શું છે?
આ પણ વાંચો: રાજુ કરપડાની કોંગ્રેસમાં જોડાવવાની અટકળો, કરશનબાપુ મળ્યાં
આ પણ વાંચો: શહઝાદ પૂનાવાલાનો દાવો, કોંગ્રેસને રાહુલ ગાંધી નેતા તરીકે સ્વીકાર્ય નથી
