Vadodara News: વડોદરામાં અંધેર તંત્રનો સૌથી મોટો પુરાવો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂ કર્યો છે. વડોદરાવાસીઓ વિશ્વામિત્રીની વધેલી જળપાટી અને સમગ્ર શહેરમાં ભરાયેલા પૂરના પાણી સામે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે વડોદરા મ્યુનિ.એ જ ખરીદેલી 20 જેટલી બોટ ધૂળ ખાઈ રહી છે. પૂરના ભરાયેલા પાણી વચ્ચે કોઈને યાદ પણ ન આવ્યું કે તેનો ઉપયોગ કરીને લોકોને બચાવવામાં આવે.
આ બોટો દરજીપુરા ફાયર સ્ટેશને ધૂળ ખાઈ રહી છે. એક તરફ ડભોઈથી નાવિકોની બોટો મદદમાં મંગાવાઈ છે. બીજી બાજુએ મનપાની પોતાની બોટો ધૂળ ખાઈ રહી છે. 40 લાખથી વધુ કિંમતની બોટો ભંગાર બની ગઈ છે. મેયર અને ધારાસભ્યએ ભરાયેલા પાણીમાં સહેલગાહે નીકળતા હોય તેમ ટ્રેક્ટરમાં બેસવાના નાટક કર્યા. 2019માં જીએસડીએમ દ્વારા 20 બોટ આપવામાં આવી હતી.
આ બતાવે છે કે શહેર પર પૂરની આફત ત્રાટકી છે તે સમયે પણ તંત્રમાં સંકલનનો કેટલો અભાવ છે. ડભોઈના ચાંદોદથી મંગાવેલી બોટો પરત ગઈ છે. બોટ લઇને આવેલા ટ્રક ડ્રાઇવર સાથે કોઇ સંકલન નહી. સંકલનના અભાવે ચાંદોદથી આવેલી બોટો પણ પરત ગઇ.
વડોદરાના લોકો હવે એક સૂરે બોલી રહ્યાં છે કે, વડોદરાને ડૂબાડવામાં કોર્પોરેશનના નફફટ શાસકોનો બહુ મોટો ફાળો છે અને પૂર વખતે સયાજીપુરા ખાતેની આરટીઓ કચેરીમાં ધૂળ ખાતી પડી રહેલી બોટોનો ઉપયોગ કરવાનું પણ શાસકોને યાદ આવ્યું નહોતું અથવા તો અધિકારીઓ અને નેતાઓએ આ બોટોનો ઉપયોગ કરવાની તસદી લીધી નહોતી.
મળતી વિગતો પ્રમાણે 2016માં આ બોટો કરોડોના ખર્ચે ખરીદવામાં આવી હતી. જેથી પૂરના સમયે બચાવ કામગીરી માટે તેનો ઉપયોગ કરી શકાય. આ પૈકી કેટલીક બોટોની ક્ષમતા 1200 કિલોની છે. એટલે આવી બોટમાં 15 થી 20 લોકોને આસાનીથી બેસાડી શકાય તેમ છે. વડોદરા મંગળવાર અને બુધવારે અભૂતપૂર્વ પૂરનો સામનો કરી રહ્યું હતું ત્યારે આ બોટો પાણીમાં હોવાની જગ્યાએ આરટીઓ કચેરીના ખૂણામાં શેડની નીચે પડી રહી હતી. તેના પર ધૂળનો થર જામેલો જોવા મળી રહ્યો હતો. આ બોટોનો ઉપયોગ કરાયો હોત તો બે દિવસમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હોત. આ ઘોર બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો: રિલાયન્સે વડોદરાવાસીઓ માટે 20,000 ફૂડ પેકેટ પહોંચાડ્યા
આ પણ વાંચો: વડોદરામાં પૂર બાદ આરોગ્ય, વીજળી, સફાઇ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ
આ પણ વાંચો: વડોદરામાં આર્મીની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી
