Rajkot Cyber Crime: રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધ દંપતીને સાયબર ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને (Rajkot Digital Arrest) ડરાવ્યા હતા. વૃદ્ધાના સીમકાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ ‘સાયબર ટેરરિઝમ’માં થયો હોવાનું કહી તેમને સાત દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ટુકડે-ટુકડે દંપતી પાસેથી આશરે રૂ.55 લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. વધુ રૂ.41 લાખની માગણી થતાં વૃદ્ધ દંપતીને શંકા ગઈ અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
Rajkot Digital Arrest: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે વોટ્સએપ કોલ
પ્રાપ્ત માહિતી મુજબ, 18 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધાને વોટ્સએપ પર અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. વૃદ્ધાને વિશ્વાસ આવે તે માટે ઠગોએ RBIના નામે બનાવટી દસ્તાવેજો પણ વોટ્સએપ પર મોકલ્યા હતા.
‘સાયબર ટેરરિઝમ’માં નામ આવ્યું હોવાનું કહી ડરાવ્યા
ઠગોએ વૃદ્ધાને જણાવ્યું હતું કે તેમના સીમકાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઈમ અને સાયબર ટેરરિઝમ સાથે જોડાયેલી પ્રવૃત્તિમાં થયો છે. ગંભીર ગુનામાં (Digital Arrest Scam) નામ આવ્યાનું કહી વૃદ્ધાને સતત ડરાવવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહીનો ભય બતાવી ઠગોએ તેમને કોઈની સાથે વાત ન કરવા અને પોતાની સૂચના મુજબ જ કામ કરવા દબાણ કર્યું હતું.
સાત દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’
ઠગોના સતત ફોન અને ધમકીઓના કારણે વૃદ્ધા એટલા ગભરાઈ ગયા હતા કે તેઓ તેમની વાતોને સાચી માની બેઠા. આ રીતે સાયબર ઠગોએ તેમને આશરે સાત દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ જેવી સ્થિતિમાં રાખ્યા હતા. આ દરમિયાન અલગ-અલગ કારણો દર્શાવી દંપતી પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
રૂ.55 લાખ પડાવ્યા બાદ પણ વધુ રૂ.41 લાખની માગણી
ઠગોએ વૃદ્ધ દંપતી પાસેથી ટુકડે-ટુકડે કરીને આશરે રૂ.55 લાખ પડાવી લીધા હતા. જોકે, આટલી મોટી રકમ મેળવ્યા બાદ પણ ઠગો અટક્યા નહોતા. તેમણે દંપતી પાસેથી વધુ રૂ.41 લાખની માગણી કરી હતી.વધુ પૈસા આપવા માટે દંપતીએ પોતાની FD તોડવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે મુંબઈ રહેતી પોતાની દીકરીને ફોન કરીને જાણ કરી હતી. માતાની વાતચીત અને તેમની ગભરાયેલી સ્થિતિથી દીકરીને સમગ્ર મામલો શંકાસ્પદ લાગ્યો હતો. તેમણે તાત્કાલિક રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરીને માતા-પિતાને બચાવવા માટે મદદ માગી હતી. માહિતી મળતાં જ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ વૃદ્ધ દંપતીના ઘરે પહોંચી હતી.
અસલી પોલીસ આવી છતાં વૃદ્ધાએ દરવાજો ન ખોલ્યો
‘ડિજિટલ અરેસ્ટ’ના નામે સાત દિવસ સુધી સતત ડરાવવામાં આવેલા વૃદ્ધા એટલા માનસિક દબાણમાં હતા કે જ્યારે રાજકોટ પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે તેમણે અસલી પોલીસ (Rajkot Police) પર પણ વિશ્વાસ કર્યો નહોતો. શરૂઆતમાં તેમણે પોલીસ માટે ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. જોકે, પોલીસે ધીરજપૂર્વક વાત કરી અને પોતે મદદ માટે આવ્યા હોવાનું સમજાવ્યું હતું. અંતે વૃદ્ધાએ પોલીસને ઘરમાં પ્રવેશવા દીધો હતો.
પોલીસને જોઈ વૃદ્ધા રડી પડ્યા
પોલીસકર્મીઓ ઘરમાં પહોંચ્યા બાદ વૃદ્ધા ભાવુક (Senior Citizen Cyber Fraud) થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. પોલીસ ટીમે તેમને પાણી પીવડાવી હિંમત આપી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. દીકરીની સતર્કતા અને પોલીસની સમયસરની કાર્યવાહીથી ઠગો વધુ રૂ.41 લાખ પડાવી લે તે પહેલાં જ છેતરપિંડી અટકાવવામાં આવી હતી.
રાજકોટના DCP જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ, વૃદ્ધ દંપતી પાસેથી પડાવવામાં આવેલી રકમ પશ્ચિમ બંગાળના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ રકમ કયા-કયા ખાતામાં ટ્રાન્સફર થઈ છે અને સમગ્ર સાયબર ફ્રોડ પાછળ કોણ લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
સાયબર ઠગોનો નવો ભયજનક કાવતરું
આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે સાયબર ઠગો પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, RBI જેવા વિશ્વસનીય નામોનો ઉપયોગ કરીને લોકોને ડરાવી રહ્યા છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ગુનામાં ફસાવવાની ધમકી આપી વીડિયો કોલ અથવા ફોન પર સતત સંપર્કમાં રાખીને માનસિક દબાણ ઊભું કરવામાં આવે છે.
પોલીસ, RBI કે કોઈપણ સરકારી એજન્સી ફોન અથવા વીડિયો કોલ પર વ્યક્તિને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને પૈસા ટ્રાન્સફર કરાવતી નથી. આવા ફોન આવે તો ગભરાયા વગર પરિવારના વિશ્વાસુ વ્યક્તિને જાણ કરીને સત્તાવાર પોલીસ અથવા સાયબર ક્રાઈમ વિભાગનો સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચો: અડાલજ પોલીસમાં 11 લોકો સામે ફરિયાદ, બિલ્ડર મેરામણ પરમારના મોત અને કરોડોની મિલકતો વચ્ચે શું કનેક્શન?
આ પણ વાંચો: ‘મારા માટે આ બધા મારા ભાઈ જ છે’, 49 વર્ષથી મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે આ બહેન
આ પણ વાંચો: સુરત મનપામાં ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય, ડેપ્યુટી કમિશનરની જગ્યાઓ હવે આ રીતે ભરાશે
