આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના સતત વધતા ભાવોને પગલે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. ટુંકાગાળામાં ભાવ ઘટાડાની કોઇ શક્યતા પણ દેખાતી નથી ત્યારે જો પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લવાય તો કિંમત ખાસ્સી ઘટી શકે છે. સરકાર પણ આના માટે તૈયાર હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. લોકસભામાં નાણાં વિધેયક 2021 પર ચર્ચાનો જવાબ આપતા નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર જીએસટી પરિષદની આગામી બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પર ચર્ચા માટે તૈયાર છે.
રાજ્યો પર આધાર
પેટ્રોલ-ડીઝલ પર ઉંચા ટેક્સને લઇને નાણાંમંત્રીએ કહ્યું કે સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટીના વ્યાપમાં લાવવા માટે જીએસટી પરિષદની આગામી બેઠકમાં ચર્ચા કરવા માટે તૈયાર છે.
‘રાજ્ય લાવે ચર્ચાનો પ્રસ્તાવ’
નાણાંમંત્રીએ કહ્યું કે જો રાજ્ય સહમત થાય તો આગળ વધીને ચર્ચા કરવાનો પ્રસ્તાવ લાવે. તેમને પરિષદની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરીને આનંદ થશે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ટેક્સ
નાણાંમંત્રીએ કહ્યું કે તે પેટ્રોલ-ડીઝલ પર કોઇ રાજ્યના ઓછા કે વધુ ટેક્સનો ઉલ્લેખ કરવા નથી માંગતી પરંતુ હાલ મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ ટેક્સ લાગે છે. તેમને લાગે છે કે આજે સંસદની ચર્ચા પછી રાજ્ય આને જીએસટી હેઠળ લાવવા અંગે વિચારશે.
