Junagadh Ozat River Dead Body Found: જૂનાગઢ જિલ્લાના વંથલી-સોમનાથ હાઈવે પર આવેલી ઓઝત નદીના પટમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નદીના પાણીમાં લાશ તરતી હોવાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળેટોળા પુલ પર ઉમટી પડ્યા હતા, જેને પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો
ઓઝત નદીના પુલ નીચે પાણીમાં એક યુવકનો મૃતદેહ ગરકાવ થયેલી હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને તેમણે આ અંગે તુરંત વંથલી પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ વંથલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની સૂચનાથી સ્થાનિક તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા. તરવૈયાઓએ નદીના ઊંડા પાણીમાં ઉતરી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી કાંઠે લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.

Junagadh નો યુવાન હોવાનું ખુલ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક જૂનાગઢનો રહેવાસી છે અને તેનું નામ કેયુર વાજા છે. યુવક નદીમાં કેવી રીતે પડ્યો અથવા આ કોઈ આત્મહત્યા છે કે અકસ્માત, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હાઈવે પર ટ્રાફિક જામ
નદીના પુલ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જવાથી સોમનાથ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. વંથલી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ટ્રાફિક ક્લિયરન્સની કામગીરી હાથ ધરી હતી અને લોકોને પુલ પર ભીડ ન કરવા અપીલ કરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે
પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતના સાચા કારણની વાસ્તવિકતા સામે આવશે. હાલમાં વંથલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
