Valsad News : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં પીકઅપ ગાડી પલટી જતા 6 લોકોના મોત (Dead)થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પીકઅપ ગાડી પલટી જતા 6 લોકોના મોત(Dead)
માહિતી મુજબ, દુર્ઘટનાગ્રસ્ત પીકઅપ(Pickup) ગાડીમાં કુલ 28 જેટલા મુસાફરો સવાર હતા. ગાડીમાં ક્ષમતા કરતાં વધુ લોકો હોવાના કારણે અકસ્માત સમયે ગાડી પલટી મારતા જ અફરાતફરી મચી ગઈ હતી. ચીસાચીસ અને નાસભાગ વચ્ચે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પરિવાર એક ખુશીના પ્રસંગે, આણું વાળવા માટે જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ આ કાળમુખી ઘટના સર્જાતા ઉજવણીનો માહોલ પળોમાં શોકમાં ફેરવાઈ ગયો. મૃતકોના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરીને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનો સારવાર ચાલુ છે. કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસ અનુસાર, પીકઅપના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી બેકાબૂ બની અને પલટી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
